મારો બાળપણનો પ્રેમ મારા પર આરોપ લગાવી રહ્યો છે

11 February, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદાએ પત્ની સુનીતા આહુજાએ તેના પર મૂકેલા અફેરના આરોપને ખોટો ગણાવ્યો

ગોવિંદા અને સુનીતાની ફાઇલ તસવીર

ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહુજાની પર્સનલ લાઇફ ઘણા સમયથી ચર્ચામાં છે. તાજેતરમાં સુનીતાએ પતિ ગોવિંદા પર તેનું અફેર ચાલતું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ નિવેદન બાદ હવે ગોવિંદાએ આખરે પોતાની ચુપકીદી તોડી છે. ગોવિંદાએ તેના પર લાગેલા આરોપની સ્પષ્ટતા તો કરી જ છે અને સાથે-સાથે પોતાની સાથે કામ કરનાર એક હિરોઇન સહિત તમામ સહ-કર્મચારીઓ પ્રત્યે આદર વ્યક્ત કરીને માફી માગી લીધી છે.

ગોવિંદાએ એક ઇન્ટરવ્યુમાં પત્ની સુનીતાના દાવાને નકારતાં કહ્યું હતું કે ‘મારા પર આ પ્રકારના આરોપ ક્યારેય નથી લાગ્યા? જે આરોપ લગાવી રહ્યું છે તે તો મારા બાળપણનો પ્રેમ છે. પ્રેમના મામલામાં મારી જિંદગી ક્યારેય સરળ રહી નથી. હવે જે પ્રેમની વાત થાય છે એને લોકો પોતાની રીતે ‘ઘડપણનો પ્રેમ’ કહે છે. આવા દાવાઓમાં કોઈ સચ્ચાઈ નથી અને એ વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.’

પોતાના સંબંધોની સ્પષ્ટતા કરવાની સાથે-સાથે ગોવિંદાએ પોતાના પ્રોફેશનલ એથિક્સ અને સહ-કર્મચારીઓ પ્રત્યેના સન્માન વિશે ખુલ્લેઆમ વાત કરતાં કહ્યું હતું કે ‘મેં ચાર સુપરસ્ટાર અને એક મિસ યુનિવર્સ હિરોઇન સાથે કામ કર્યું છે, પરંતુ ક્યારેય કોઈ તરફ ખરાબ નજરથી જોયું નથી. મારી એક પણ હિરોઇન એવી નથી જે કહી શકે કે મેં તેને હેરાન કરી હોય કે તેને અપશબ્દો કહ્યા હોય. મારી ફિલ્મોની સફળતા માટે હું મારા ડિરેક્ટરો, ગીતો અને હિરોઇનોનો આભારી છું. મારી મમ્મી પણ હિરોઇન હતી એટલે મેં હંમેશાં તમામ અભિનેત્રીઓને આદર આપ્યો છે.’

એ પછી ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ નવા કલાકારો અને ન્યુકમર્સને સંબોધતાં માફી પણ માગી અને કહ્યું કે ‘મારી વાતો કે પરિસ્થિતિને કારણે કોઈ ડરે નહીં અને મારી સાથે કામ કરવાથી દૂર ન રહે. હું ભવિષ્યમાં તમામ સાથે સન્માનપૂર્વક કામ કરવા માગું છું અને કોઈને અસહજ થવા દેવા માગતો નથી. મારા નામ સાથે જે નામને જોડવામાં આવે છે એ યોગ્ય નથી. હું એ વાતનો આભારી છું કે સંબંધિત વ્યક્તિએ અત્યાર સુધી કોઈ ખોટું નિવેદન આપ્યું નથી, કારણ કે તે શાંતિ જાળવવા માગે છે.’

govinda sunita ahuja relationships entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz