બૉલીવુડમાં મને પ્લાનિંગ સાથે બદનામ કરવામાં આવ્યો છે

10 March, 2025 09:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ જણાવ્યું કે મારી વિરુદ્ધ કાવતરાં થયાં અને પછી મારી પ્રકૃતિ બદલાઈ ગઈ

ગોવિંદા

ગોવિંદા લાંબા સમયથી ફિલ્મના પડદેથી દૂર છે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યુમાં બૉલીવુડમાં પોતાની ગેરહાજરી વિશે તેમ જ ૧૦૦ કરોડની ફિલ્મ નકારી હોવાનો પસ્તાવો વ્યક્ત કર્યો હતો. આ સિવાય ગોવિંદાએ આરોપ મૂક્યો છે કે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા લોકોએ તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે.

હાલમાં એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ જણાવ્યું હતું કે ‘જ્યારે લોકો લખતા હતા કે મારી પાસે કામ નથી ત્યારે મેં ૧૦૦ કરોડની ફિલ્મ છોડી હતી. હું એ સમયે અરીસામાં જોઈને પોતાને થપ્પડ મારતો હતો, કારણ કે મને લાગતું હતું કે હું પાગલ થઈ ગયો છું અને એટલે જ આ પ્રોજેક્ટમાં કામ કરવાની ના પાડી રહ્યો છું. એ પૈસાથી હું મારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનાવી શકતો હતો. જોકે મેં આ નિર્ણય લીધો, કારણ કે પોતાને પ્રામાણિક રહેવું અને આંતરિક અવાજ સાંભળવો મહત્ત્વપૂર્ણ છે.’

ગોવિંદાએ એ સમયને પણ યાદ કર્યો જ્યારે તેને બૉલીવુડમાં બદનામ કરવામાં આવ્યો હતો. એ સમયને યાદ કરતાં ગોવિંદાએ કહ્યું કે ‘પહેલાં પ્લાનિંગ કરીને આયોજનપૂર્વક મને બદનામ કરવામાં આવ્યો હતો. તેઓ મને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાંથી દૂર કરવા ઇચ્છતા હતા. મને લાગ્યું કે હું એક અભણ વ્યક્તિ એકાએક શિક્ષિત લોકો વચ્ચે આવી ગયો છું અને તેઓ મને દૂર કરવા ઇચ્છે છે. હું તેમનું નામ કહી શકતો નથી, પણ મને ખબર નહોતી કે તેઓ કેટલું આગળ જશે. મારી વિરુદ્ધ કાવતરાં શરૂ થયાં, મારા ઘરની બહાર ગન સાથે લોકો પકડાયા. આ બધાં કાવતરાં પછી મારી પ્રકૃતિ બદલાઈ ગઈ.’

ગોવિંદા છેલ્લે ૨૦૧૯ની ફિલ્મ ‘રંગીલા રાજા’માં જોવા મળ્યો હતો. તાજેતરમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં તેણે હાજરી આપી હતી અને પછી જાહેરાત કરી હતી કે તેની પાસે ત્રણ નવા પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે.

govinda bollywood bollywood news bollywood buzz entertainment news