ડૉક્ટર સાથે વિઝિટ પર જવાથી કમલ હાસનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી

11 May, 2020 08:00 PM IST  |  Mumbai Desk | Ashu Patel

ડૉક્ટર સાથે વિઝિટ પર જવાથી કમલ હાસનને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી

કમલ હાસન

કમલ હાસનને બાળપણથી જ ફિલ્મો પ્રત્યે આકર્ષણ હતું. જોકે તેમને અણધારી રીતે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મળી ગઈ હતી. તામિલનાડુમાં એક વકીલ પિતાને ત્યાં જન્મેલા કમલ હાસનનું મૂળ નામ પાર્થસારથિ શ્રીનિવાસન હતું. કમલ હાસને પ્રાથમિક શિક્ષણ પરમકુડીમાં લીધું હતું, પરંતુ તેમના મોટાભાઈ તેમને સારું શિક્ષણ મળે એ માટે પોતાની સાથે ચેન્નઈ લઈ ગયા હતા.

કમલ હાસન ચાર વર્ષનો હતો ત્યારે કમલ હાસનની મમ્મીના એક ડૉક્ટર ફ્રેન્ડ તેને એક જગ્યાએ વિઝિટ પર જતી વખતે પોતાની સાથે લઈ ગયા હતા. તેઓ દક્ષિણના એ વખતના જાણીતા ફિલ્મસર્જક અવિચી મયઅપ્પા ચેટ્ટિયારની પત્નીની સારવાર માટે તેમના ઘરે ગયા હતા. તે ડૉક્ટર કમલ હાસનને પોતાની સાથે ત્યાં લઈ ગયા એ વખતે ચેટ્ટિયારના પુત્ર એમ. સર્વાનન ત્યાં હાજર હતા. તેમણે કમલ હાસનની મૅનર્સનું નિરીક્ષણ કર્યું અને તેમને ચાર વર્ષના કમલમાં કલાકાર દેખાયો. સર્વાનને પિતાને ભલામણ કરી કે આપણી નવી ફિલ્મ
‘કલાથુર કન્નમ્મા’માં આ છોકરાને તક આપો. 

ચેટ્ટિયારે એ વખતે તેમની એ ફિલ્મમાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટના રોલ માટે ડેઇઝી ઈરાનીને સાઇન કરી હતી. પરંતુ ડેઇઝી ઈરાની એ સમયમાં ઘણી વ્યસ્ત હતી એટલે તેઓ તેને બદલે બીજા કોઈ ચાઇલ્ડ આર્ટિસ્ટને લેવાનું વિચારી જ રહ્યા હતા. દીકરાની ભલામણથી તેમણે ડેઇઝી ઈરાનીને પડતી મૂકીને એ રોલ કમલ હાસનને આપ્યો. 

કમલ હાસને એ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી અને પહેલી જ ફિલ્મમાં એટલા આત્મવિશ્વાસથી તેણે એકદમ વાસ્તવિક લાગે એવો અભિનય કર્યો એટલે તેને પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ પછી કમલના પિતાને નાનકડા કમલની અભિનય પ્રતિભા પર ભરોસો બેઠો એટલે તેમણે તેને એક ડ્રામા થિયેટરમાં સામેલ કરાવી દીધો હતો. કમલે એ ડ્રામા થિયેટરમાં અભિનય અને તાલીમ લેતાં-લેતાં અભ્યાસ ચાલુ જ રાખ્યો હતો અને તે થિયેટરમાં નાટકોમાં અભિનય કરવા સાથે બહુ પૅશનેટલી મેકઅપની કળા પણ શીખવા લાગ્યો હતો. તે ત્યારથી જ સમજતો થઈ ગયો હતો કે ફિલ્મ અને નાટકમાં મેકઅપનું મહત્ત્વ ખૂબ હોય છે. ‘અપ્પુરાજા’ અને ‘હિન્દુસ્તાની’ જેવી ફિલ્મોમાં જે મેકઅપ જોવા મળે છે એની પાછળ કમલ હાસનનું મેકઅપનું નૉલેજ  કારણભૂત હતું.

bollywood bollywood news bollywood gossips kamal haasan