વિદ્યા ને ઇમરાનની ‘ઘનચક્કર’નું ભીડવાળા વિસ્તારોમાં છૂપું શૂટિંગ

19 August, 2012 05:12 AM IST  | 

વિદ્યા ને ઇમરાનની ‘ઘનચક્કર’નું ભીડવાળા વિસ્તારોમાં છૂપું શૂટિંગ

ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ‘ઘનચક્કર’માં ઇમરાન હાશ્મી અને વિદ્યા બાલન કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનાં કેટલાંક દૃશ્યોના શૂટિંગ માટે ડિરેક્ટરે ગુપ્ત રીતે શૂટિંગ કરવાની ગેરીલા ટેક્નિક અપનાવવાનું નક્કી કર્યું છે, જેના કારણે મુંબઈના ભીડવાળા વિસ્તારમાં ભીડને અંદેશો પણ ન આવે એ રીતે છૂપું શૂટિંગ કરવામાં આવશે. ડિરેક્ટરે પૈસાનો અને સમયનો બગાડ અટકાવવા માટે શૂટિંગની આ ટેક્નિકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ગેરીલા ફિલ્મમેકિંગમાં ક્રૂ ભીડમાં વિખેરાઈ જાય છે અને લોકોને અંદેશો પણ ન આવે એ રીતે દૃશ્યનું શૂટિંગ કરી લેવામાં આવે છે. આ પ્રકારના શૂટિંગમાં વિદ્યા અને ઇમરાનનું શૂટિંગ પહેલાંથી આયોજન પ્રમાણે ગોઠવેલી વૅનમાં સંતાડેલા કૅમેરાથી કરવામાં આવશે. કલાકારોને સૂચના આપવામાં આવશે કે ભીડને વાતની જાણ થાય અને ટોેળું ભેગું થાય એ પહેલાં ચૂપચાપ શૉટ આપીને રવાના થઈ જવાનો પ્રયાસ કરવો.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘રાજકુમાર ગુપ્તાની ઇચ્છા વિદ્યા અને ઇમરાનના કેટલાક શૉટનું શૂટિંગ ગેરીલા ફિલ્મમેકિંગ દ્વારા કરવાની હતી જેના પગલે આગામી બે મહિનામાં મુંબઈના કેટલાક ગીચ વિસ્તારોમાં ઇમરાન અને વિદ્યા સરપ્રાઇઝ ગેસ્ટ તરીકે જોવા મળશે. રાજકુમાર ગુપ્તાએ કેટલાંક પ્રૅક્ટિકલ કારણોસર આ રીતે શૂટિંગ કરીને પૈસાનો અને સમયનો બચાવ કરવાનું પસંદ કર્યું છે.’

આ વિશે વાત કરતાં રાજકુમાર ગુપ્તા કહે છે, ‘અમે આ ફિલ્મના સ્ટુડિયોના હિસ્સાનું શૂટિંગ પૂરું કરીને પછી ગેરીલા ફિલ્મમેકિંગથી કેટલાંક દૃશ્યોનું શૂટિંગ કરવા માટે ગલીઓમં જઈશું. આ થોડું રિસ્કી તો છે, કારણ કે વિદ્યા અને ઇમરાન બન્ને લોકપ્રિય કલાકારો હોવાથી તેમની ઓળખ ગુપ્ત રાખવી લગભગ અશક્ય છે, પણ હું ક્યારેય સલામત ફિલ્મો તો બનાવતો જ નથી. જોઈએ આગળ શું થાય છે.’