28 April, 2025 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અશોક દુબે અને અબીર ગુલાલનું પોસ્ટર
૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં પાકિસ્તાની કલાકારો સામે ગુસ્સાનું વાતાવરણ છે. આ વાતાવરમમાં ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઇઝ (FWICE)એ માહિતી અને પ્રસારણ મંત્રાલયને પત્ર લખીને પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે જો કોઈ ભારતીય નાગરિક તેમની સાથે કામ કરશે તો તેની સામે રાજદ્રોહનો કેસ નોંધાવો જોઈએ. આ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનની બૉલીવુડ કમબૅક ફિલ્મ ‘અબીર ગુલાલ’ની પણ રિલીઝ અટકાવી દેવામાં આવી છે. FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે પણ પાકિસ્તાની કલાકારો પર ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે.
આ મામલામાં FWICEના મહાસચિવ અશોક દુબેએ નિવેદન આપ્યું છે કે ‘આ રાષ્ટ્રીય હિતનો મામલો છે અને દેશ હંમેશાં પહેલા આવે છે. પહલગામમાં આપણા પ્રવાસીઓ પર તાજેતરમાં થયેલા હુમલા અત્યંત શરમજનક છે. અમે ફરીથી એક પ્રેસ-રિલીઝ જાહેર કરી છે જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો અમારા કોઈ પણ સભ્ય પાકિસ્તાની કલાકારો અથવા ટેક્નિશ્યનો સાથે કામ કરતા જોવા મળશે તો અમે તેમની સામે કાર્યવાહી કરીશું અને તેમની સાથે કામ કરવાનું બંધ કરીશું. મેં માહિતી અને પ્રસારણ મંત્રાલયને એક પત્ર પણ લખ્યો છે જેમાં તેમને એક સૂચના જાહેર કરવા જણાવ્યું છે કે જો કોઈ ભારતીય સભ્ય પાકિસ્તાની કલાકારો સાથે કામ કરે છે તો તેની સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ જેથી તે ભવિષ્યમાં આવું કામ કરતાં પહેલાં હજાર વાર વિચારે.’
‘અબીર ગુલાલ’ની વાત કરીએ તો પુલવામા હુમલા પછી પહેલી વાર કોઈ પાકિસ્તાની ઍક્ટરની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા જઈ રહી હતી. ઉરી અને પુલવામા હુમલા પછી ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ બન્ને વખત પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો. જોકે હવે ભારતમાં થિયેટર માલિકો ‘અબીર ગુલાલ’ ફિલ્મ બતાવવા માટે તૈયાર નથી. તેમણે નિર્માતાઓને પોતાના નિર્ણયની જાણ કરી દીધી છે.