23 April, 2023 02:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્રોલ કરનારાઓને શાને આપ્યો જડબાતોડ જવાબ
સિંગર શાને ગઈ કાલે જ્યારે લોકોને ઈદની શુભેચ્છા આપી ત્યારે લોકો તેને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવા માંડ્યા હતા. એનું કારણ એ છે કે તેણે જે ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો એ ફોટોમાં તેણે મુસ્લિમ ટોપી પહેરી છે અને નમાજ અદા કરી રહ્યો છે. જોકે આ ફોટો તો તેના મ્યુઝિક વિડિયો ‘કરમ કર દે’નો છે, જે ત્રણ વર્ષ અગાઉ આવ્યો હતો. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાને કૅપ્શન આપી હતી, ‘સૌને ઈદ મુબારક.’
આ ફોટો અને ઈદ મુબારક કરતો જોઈને લોકો તેને ટ્રોલ કરવા માંડ્યા હતા. સોશ્યલ મીડિયામાં યુઝરે લખ્યું કે ‘આ મુસ્લિમ ક્યારે બની ગયો? મને તો લાગ્યું કે તે બંગાળી છે.’
તો અન્ય યુઝરે લખ્યું, ‘માત્ર શુભેચ્છા આપવી હતી. આ કરવાની શી જરૂર હતી. કોઈ મુસ્લિમે ક્યારેય તિલક લગાવીને શુભેચ્છા આપી છે? ઊલટાનું પથ્થર માર્યા છે.’
એવામાં ટ્રોલ્સને જવાબ આપતાં એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાને કહ્યું કે ‘મારો એક મ્યુઝિક વિડિયો ‘કરમ કર દે’ ત્રણ વર્ષ પહેલાં આવ્યો હતો. એમાં આ લુક હતો, તો વિચાર્યું કે આજના પર્વ સાથે આ બંધ બેસે છે. બસ એટલી જ વાત છે. બાળપણથી મને શીખવાડવામાં આવ્યું છે કે તમામ તહેવાર ઊજવવાના અને દરેક ધર્મને માન આપવાનું. આ જ વસ્તુમાં હું માનું છું અને દરેક ભારતીયોએ પણ એમ કરવું જોઈએ. બાકી તમારી વિચારધારા તમને મુબારક.’