ઑસ્કર જિતાડવા માટે ફ્રી ટેક્નિકલ સપોર્ટ

23 November, 2011 09:13 AM IST  | 

ઑસ્કર જિતાડવા માટે ફ્રી ટેક્નિકલ સપોર્ટ



વિશ્વના સૌથી પ્રખ્યાત અવૉર્ડ્સ ઑસ્કર્સ મેળવવાનું સપનું દરેક ફિલ્મમેકરનું હોય એ સ્વાભાવિક છે. જોકે આ વખતે બેસ્ટ ફૉરેન લૅન્ગ્વેજ કૅટેગરીમાં ભારતની ઑફિશ્યલ એન્ટ્રી તરીકે ‘અદમિન્તે મકન અબુ’ ટેક્નિકલી ઘણી નબળી ગણવામાં આવી રહી છે. બાકીના દેશોમાંથી આવતી ફિલ્મોની સરખામણીમાં એને મૂકવા માટે હવે એને ટેક્નિકલી ઘણી સ્ટ્રૉન્ગ બનાવવામાં આવશે. આ માટે ટેક્નિકલ બાબતે દેશની ટોચની ટૅલન્ટ ફિલ્મ માટે મફતમાં સેવા આપશે.

હજ પર જવાની મહામહેનત કરી રહેલા એક ગરીબ સિનિયર સિટિઝન દંપતીના જીવન પરની ‘અદમિન્તે મકન અબુ’ને આ વર્ષે બેસ્ટ ફિલ્મ અને બેસ્ટ ઍક્ટર (સલીમકુમાર) સહિત ચાર મેજર નૅશનલ અવૉર્ડ્સ મળ્યા છે. આ કારણે જ ફિલ્મને સ્ટોરીની બાબતે ઘણી સ્ટ્રૉન્ગ ગણવામાં આવી રહી છે. જોકે ફિલ્મજગતના જાણકારોને લાગ્યું હતું કે આ જ કૅટેગરીની અન્ય ફિલ્મોની સરખામણીમાં આ ફિલ્મ ટેક્નિકલી ઘણી નબળી હશે. આ કારણે જ સ્પેશ્યલી ઑસ્કર્સ માટે જ સાઉન્ડ-મિક્સિંગ અને વિડિયો-ક્વૉલિટીમાં ઘણા ફેરફારો કરવામાં આવશે.

ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને લાગ્યું હતું કે ઑસ્કર જીતવાનો ઘણો મોટો ચાન્સ તેમની પાસે છે. જોકે ફિલ્મ ઘણા નાના બજેટમાં બનાવવામાં આવી છે અને એ કારણે જ એમાં મિક્સિંગ અને વિડિયોની બાબતે ઘણી મહેનત કરવામાં આવી નહોતી. આ ઉપરાંત ભારતની લગભગ તમામ ફિલ્મ આ બાબતે જ દર વખતે પાછળ રહી જતી હોય છે. આ ફિલ્મનું બજેટ એટલું નાનું છે કે હવે ઑસ્કર્સ માટે એને પ્રમોટ કરવાનું પણ બજેટ નથી.

‘સ્લમડૉગ મિલ્યનેર’ માટે બેસ્ટ સાઉન્ડ-મિક્સિંગનો અવૉર્ડ જીતનારા રેસૂલ પુકુટ્ટી કોઈ પણ ફી લીધા વગર અત્યારે ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘હું અત્યારે સાઉન્ડને રીડિઝાઇન અને રીમિક્સ કરી રહ્યો છું, જેથી નૉમિનેશન વખતે એના ચાન્સ ઘણા વધી જશે. હું અમુક સાઉન્ડ્સ મારી રીતે ઉમેરી રહ્યો છું અને સંપૂર્ણપણે સરાઉન્ડ સાઉન્ડ પર પણ કામ કરી રહ્યો છું.’