રિલીઝ પાંચ અને હિટની સંભાવના માત્ર એકની, આ તે કેવી બદહાલી!

04 October, 2011 08:52 PM IST  | 

રિલીઝ પાંચ અને હિટની સંભાવના માત્ર એકની, આ તે કેવી બદહાલી!

 

શુક્રવારે આવેલી તમામ ફિલ્મોમાંથી માત્ર ‘ફોર્સ’ જ સફળ થવાની આશા જન્માવી શકી છે, ‘સાહિબ બીવી ઔર ગૅન્ગસ્ટર’ સારી ફિલ્મ હોવા છતાં પ્રેક્ષકોનો પ્રતિસાદ નબળો અને બાકીની ત્રણ તો જવાના વાંકે જ આવી

જૉન એબ્રાહમ અને જેનિલિયા ડિસોઝાની ‘ફોર્સ’ પહેલાંથી જ એક મોટા બજેટની અને દર્શકોને આકર્ષી શકે એવી ફિલ્મ લાગતી હતી. હવે એની સાથે બીજી ચાર ફિલ્મો રિલીઝ થાય તો ‘ફોર્સ’ને નુકસાન થતાં થાય, પણ દરેક ફિલ્મે વધુ મોટો ફટકો સહન કરવો પડે એ સ્વાભાવિક છે.

‘ફોર્સ’ તેની આશા પ્રમાણે જૉન એબ્રાહમની સોલો ફિલ્મોમાં સૌથી સારી ઓપનિંગ ધરાવનારી ફિલ્મ સાબિત થઈ છે. ત્રણ દિવસમાં ઍવરેજ મલ્ટિપ્લેક્સમાં ૩૦-૪૦ ટકા અને સિંગલ સ્ક્રીનમાં ૬૦-૭૦ ટકા હાજરી જોવા મળી હતી. આ રીતે ફિલ્મે ૧૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે બીજી ઍક્શન ફિલ્મોની સરખામણીમાં આ ઓપનિંગ ઓછું ગણાય, પણ નિષ્ણાતોના કહેવા મુજબ ફિલ્મ ફ્લોપ તો નહીં જ થાય. જોકે મોટા ભાગના નિષ્ણાતો માને છે કે તેને હિટ સ્ટેટસ મળવું આખા વીકના બિઝનેસ પર નર્ભિર કરે છે.

આ પ્રકારની મલ્ટિપલ રિલીઝથી સૌથી મોટું નુકસાન ‘સાહિબ બિવી ઔર ગૅન્ગસ્ટર’ને થશે, કારણ કે બાકીની ત્રણ ફિલ્મોનું ભાવિ પહેલાંથી જ અધ્ધરતાલ ગણાતું હતું, પણ સારી ફિલ્મ હોવા છતાં આ ફિલ્મને જોઈતું ઓપનિંગ ન મળ્યું. ઇન્દોરના ડિસ્ટિબ્યુટર આદિત્ય ચોકસી માને છે કે જો ફિલ્મને અલગ સમયે રિલીઝ કરવામાં આવી હોત તો પરિણામ અલગ આવી શક્યું હોત.

‘હમ તુમ ઔર શબાના’, ‘તેરે મેરે ફેરે’ અને ‘ચાર્જશીટ’ને એટલો ખરાબ રિસ્પૉન્સ મળ્યો છે કે ફિલ્મોના ઘણા શો રદ કરવા પડ્યા હતા.