pk પર પ્રતિબંધ લાદવાની માગણી

23 December, 2014 03:30 AM IST  | 

pk પર પ્રતિબંધ લાદવાની માગણી




રાજકુમાર હીરાણીના ડિરેક્શન અને આમિર ખાનની ઍક્ટિંગથી ઓપતી ફિલ્મ ‘pk’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ આ ફિલ્મના કેટલાક સીન સામે હિન્દુ લીગલ સેલ નામના સંગઠને વાંધો ઉઠાવી ‘pk’ પર પ્રતિબંધની માગણી કરી છે.

આ ફિલ્મના કેટલાક સીનમાં આમિર ખાન ભગવાનની શોધમાં ભટકે છે અને જે ડાયલૉગ્સ બોલે છે એ કેટલાક લોકોને હિન્દુ ધર્મવિરોધી લાગે છે. આ ફિલ્મ હિન્દુવિરોધી હોવાનો આક્ષેપ કરીને હિન્દુ લીગલ સેલે દિલ્હીના અમર કૉલોની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.

કાયદાવિષયક શિક્ષણ લઈ રહેલા સ્ટુડન્ટ્સ અને વકીલોના આ સંગઠને જણાવ્યું હતું કે રાજકુમાર હીરાણી અને આમિર ખાન વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં અરજી કરીને ન્યાય માગવામાં આવશે. ટ્વિટર સહિત સોશ્યલ મીડિયા પર પણ આ ફિલ્મની તરફેણમાં અને વિરોધમાં જાતજાતની ટિપ્પણી થઈ રહી છે.

આ ફિલ્મનો એક બીજો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે જેમાં અનુષ્કા શર્મા અને સુશાંત સિંહ રાજપૂત વચ્ચેની લવ-સ્ટોરીમાં અનુષ્કાને ભારતીય જ્યારે સુશાંતને પાકિસ્તાની બતાવવામાં આવ્યો છે. એની સામે પણ ‘હિન્દુ લીગલ સેલે વાંધો લીધો છે અને કોર્ટમાં અરજી કરવાનું નક્કી કર્યું છે.