બૉલીવુડની યશ ચોપડાને અશ્રુભીની વિદાય, જુઓ તસવીરોમાં

23 October, 2012 03:35 AM IST  | 

બૉલીવુડની યશ ચોપડાને અશ્રુભીની વિદાય, જુઓ તસવીરોમાં



રવિવારે સાંજે ડેન્ગી તેમ જ મલ્ટિપલ ઑર્ગન ફેલ થવાને કારણે મૃત્યુ પામેલા બૉલીવુડના જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર તેમ જ કિંગ ઑફ રોમૅન્સ તરીકે જાણીતા યશ ચોપડાના પાર્થિવ દેહને ગઈ કાલે વિલે પાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહમાં આદિત્ય ચોપડાના હસ્તે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આ પહેલાં તેમના પાર્થિવ દેહને અંધેરીમાં આવેલા યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં સવારથી લોકાનાં દર્શનાર્થે રાખવામાં આવ્યો હતો. તેમના પાર્થિવ દેહની પાછળ તેમનો એક મોટો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો પણ રાખવામાં આવ્યો હતો.

સ્ટેજના આગળના ભાગમાં પુત્ર આદિત્ય ચોપડા અને અભિનેત્રી રાની મુખરજી દેખાતાં હતાં, જ્યારે પરિવારના અન્ય સભ્યો તેમ જ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લોકો પણ પાછળની બાજુએ ઊભા હતા. સવારથી જ વિવિધ ફિલ્મ-પર્સનાલિટીનો ધસારો સ્ટુડિયોના આગળના તેમ જ પાછળના દરવાજાથી પ્રવેશી રહ્યો હતો. દરવાજાની બહાર ભેગા થયેલા લોકોને સંભાળતાં સિક્યૉરિટીના માણસોને ભારે મુશ્કેલી થઈ રહી હતી.

યશ ચોપડાનાં અંતિમ દર્શન માટે આવનારા મહાનુભાવોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, શાહરુખ ખાન, વિદ્યા બાલન, શાહિદ અને પિતા પંકજ કપૂર અને માતા સુપ્રિયા પાઠક, પરિણીતી ચોપડા, શ્રીદેવી અને પતિ બોની કપૂર, મનોજકુમાર, કાજોલ અને માતા તનુજા તથા બહેન તનિશા, તબુ, કબીર ખાન અને પત્ની મિની, પ્રેમ ચોપડા, આશુતોષ ગોવારીકર, વિપુલ શાહ, અબ્બાસ-મસ્તાન, રમેશ સિપ્પી, ગુલઝાર, સુભાષ ઘઈ, શ્યામ બેનેગલ, સરોજ ખાન, ડેવિડ ધવન, ઇમરાન ખાન તથા શંકર-એહસાન-લૉયનો સમાવેશ છે. રિશી કપૂર અને પુત્ર રણબીર કપૂર, અર્ચના પૂરણ સિંહ અને પતિ પરમિત શેઠી, પુનિત મલ્હોત્રા તથા વરુણ ધવન પણ તેમના દેહને શ્રદ્ધાંજલિ આપવા આવ્યાં હતાં.

રવિવારે રાત્રે લીલાવતી હૉસ્પિટલમાંથી યશ ચોપડાના પાર્થિવ શરીરને જુહુમાં આવેલા તેમના ઘરે લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેમણે સ્થાપેલા યશરાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં લઈ જવામાં આવ્યો હતો. ૧૧ ઑક્ટોબરે તેઓ છેલ્લી વખત અમિતાભ બચ્ચનના ૭૦મા જન્મદિવસની ઉજવણીમાં પત્ની પામેલા ચોપડા સાથે દેખાયા હતા. રવિવારે રાત્રે સ્ટુડિયોમાં ઘણી જાણીતી સેલિબ્રિટીઓએ પોતાની શ્રદ્ધાંજલિ આપી હતી. એમાં સલમાન ખાન, જૉન એબ્રાહમ, મનીષ મલ્હોત્રા, પ્રિયંકા ચોપડા, સોનુ નિગમ, અમિતાભ બચ્ચન તેમ જ અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચનનો સમાવેશ છે.

વિલે પાર્લેમાં આવેલા પવનહંસ સ્મશાનગૃહમાં તેમના અગ્નિસંસ્કાર વખતે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અદનાન સામી, મુકેશ ભટ્ટ, પ્રીતિ ઝિન્ટા, અનિલ શર્મા, પ્રદીપ સરકાર, રિતેશ સિધવાની, પ્રતીક, મનીષ મલ્હોત્રા, શ્રેયસ તલપડે, રાજ કુંદ્રા, રોહિત શેટ્ટી, સતીશ કૌશિક, જાવેદ અખ્તર, કિરણ ખૈર, સિદ્ધાર્થ રૉય કપૂર હાજર હતાં.

યશજી હંમેશાં મારી સાથે જ રહેશે : શાહરુખ ખાન

પોતાની ફિલ્મી કરીઅરની સૌથી વધુ હિટ ફિલ્મો યશ ચોપડા સાથે આપનાર શાહરુખ ખાને કહ્યું હતું કે યશજીનો એક અંશ મારા હૃદયમાં કાયમ માટે રહેશે. પોતાના ટ્વિટરના પેજ પર શાહરુખ ખાને લખ્યું હતું કે ‘મારું કોઈ પ્રિયજન જ્યારે આ દુનિયામાંથી વિદાય લે છે ત્યારે તેની સાથે મારો એક ભાગ પણ ચાલ્યો ગયો હોય એવું મને લાગે છે. એક દિવસ એવો આવશે જ્યારે મારી પાસે કોઈ નહીં હોય. જોકે પછી એમ વિચાર આવે છે કે હું તેમનો એક ભાગ મારામાં પણ અનુભવું છું. મારી પાસે તેમને આપવા માટે હંમેશાં પ્રેમભરી લાગણી હોય છે. તેમના જવાથી મારા માટે કદી ન પુરાય એવી ખોટ પડી છે. હું તમને હંમેશાં મારી સાથે રાખીશ તેમ જ તમને હંમેશાં યાદ કરતો રહીશ.’

યશજીની વિદાય અચાનક હતી : અમિતાભ

યશ ચોપડા સાથે ‘દીવાર’, ‘કભી કભી’ તથા ‘સિલસિલા’ જેવી હિટ ફિલ્મો આપનાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમની અચાનક વિદાય થઈ છે. પોતાના બ્લૉગમાં તેમણે લખ્યું હતું કે ‘સ્ટુડિયોમાં તેમના પાર્થિવ શરીરની નજીક બેઠો હતો ત્યારે તેમની સાથે વિતાવેલાં વર્ષો અચાનક સ્મરણપટ પર આવી ગયાં. ૪૪ વર્ષના તેમની સાથેના સંબંધનો આમ અચાનક અંત આવ્યો. તેઓ અમારી સાથે હજી વધુ સમય હોવા જોઈતા હતા. યશજી મારા મિત્ર પહેલાં હતા. બાદમાં ક્રીએટિવ લેજન્ડ હતા.’

૭૦મા જન્મદિવસ નિમિત્તે અમિતાભના જન્મદિવસે તેઓ હાજર હતા. આ વિશે લખતાં તેમણે કહ્યું હતું કે ‘ડૉક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હોવા છતાં તેઓ આવ્યા હતા, કારણ કે તેમણે ત્યાં આવવા માટેનું વચન આપ્યું હતું. તેમના એ શબ્દો હજી પણ મારા કાનમાં ગુંજે છે. મારા કામની પ્રશંસા કરવા ઉપરાંત તેમણે મને એક સારો પુત્ર તેમ જ સારો માનવી પણ ગણાવ્યો હતો. ઘણા ઓછા લોકો આવું નોંધતા હોય છે.’

ઘણા સમયથી યશ ચોપડા તેમને ઘરે બોલાવતા હતા, પરંતુ તેઓ જઈ નહોતા શક્યા એનો અફસોસ વ્યક્ત કરતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘કેટલાય મહિનાથી તેઓ તેઓ મને વહેલી સવારે માત્ર ગપ્પાં મારવા માટે બોલાવતા હતા. મેં તેમને હા પણ પાડી હતી, પરંતુ હું જઈ નહોતો શક્યો.’

જયા બચ્ચને ઍક્ટિંગ વર્કશૉપ કૅન્સલ કરી

ગઈ કાલે યશ ચોપડાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવાનો હોવાથી જયા બચ્ચને ૧૪મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ દરમ્યાન યોજવામાં આવેલી ઍક્ટિંગ વર્કશૉપમાં ભાગ લેવાનું ટાળ્યું હતું. આ વર્કશૉપ બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન યોજવામાં આવી હતી. યશ ચોપડાને શ્રદ્ધાંજલિ આપવા માટે ફિલ્મ ફેસ્ટિવલમાં દરેક ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવતી હતી.

વિદ્યા બાલન


કાજોલ


અમિતાભ બચ્ચન


રેખા


દિપીકા પાદુકોણે


પંકજ કપૂર, સુપ્રિયા અને શાહિદ કપૂર


શ્રીદેવી 

વાંચો યશ ચોપડા વિશે વધુ....


કિંગ ઓફ રોમાન્સ યશ ચોપડાનો અંતિમ ઈન્ટરવ્યૂ, જુઓ વિડીયો
યશ ચોપડાએ લોકોને પ્રેમ કેવી રીતે કરવો એ ...
યશ ચોપડાની અંતિમવિધિમાં ઉમટ્યું બોલીવુડ, જુઓ તસવીરો
સ્વિટ્ઝરલૅન્ડની સરકારે ટ્રેન અને હોટેલના ...
યશ ચોપડાની ફિલ્મમાં સ્વિટ્ઝરલૅન્ડ તો હોવું જ ...
સિત્તેરના થયા પછી પણ લોકો તુંકારે બોલાવે અને ...
યશ ચોપડાની ફિલ્મ DDLJની રિલીઝને થયાં ૧૮ વર્ષ : ૮૮૮મું વીક શરૂ