‘ડિપાર્ટમેન્ટ’ના સેટ પર ફિલ્મ કરતાંય વધુ ડ્રામા

10 November, 2011 08:17 PM IST  | 

‘ડિપાર્ટમેન્ટ’ના સેટ પર ફિલ્મ કરતાંય વધુ ડ્રામા



રામગોપાલ વર્મા સોમવારે ચેમ્બુરના એસ્સેલ સ્ટુડિયોઝમાં તેમની ફિલ્મ ‘ડિપાર્ટમેન્ટ’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ફિલ્મની ટીમે અમુક કલાકો સુધી ઘણા કપરા સંજોગોનો સામનો કર્યો હતો. ફિલ્મની ટીમ જે ફ્લોર પર શૂટિંગ કરી રહી હતી ત્યાંંથી બીજા ફ્લોરના શૂટિંગના સભ્યે રામુની ટીમનો કીમતી કૅમેરા પોતાનો સમજીને લઈ લીધો હતો. આ જાણી રામગોપાલ વર્માએ પોલીસ-સ્ટેશનમાં કેસ ફાઇલ કર્યો હતો, પણ પછી બીજી ટીમને પોતાની ભૂલ સમજાતાં એણે આ કૅમેરા પાછો કર્યો ત્યારે મામલો થાળે પડ્યો હતો.

ખબરો અનુસાર અમિતાભ બચ્ચન, સંજય દત્ત અને રાણા દગુબટ્ટીને ચમકાવતી આ ફિલ્મનું શૂટિંગ સોમવારે જ્યારે લંચ-બ્રેક પછી શરૂ થયું ત્યારે તેમને ખબર પડી હતી કે છમાંથી એક 5D કૅમેરા એના સ્થાને નહોતો. આ કૅમેરાની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા જેટલી હોવાથી રામગોપાલ વર્મા અને તેમની ટીમ ઘણી ચિંતામાં પડી ગઈ હતી. આ ઉપરાંત એ કૅમેરામાં થયેલા શૂટિંગનું બૅક-અપ તેમણે ન લીધું હોવાથી ટીમને મુશ્કેલીઓનો અંદાજો આવી ગયો હતો. આ જાણી રામગોપાલ વર્માએ તરત જ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જોકે કૅમેરા જ્યાંથી ભાડે લેવામાં આવે છે એ કંપની એફએક્સ સ્ટુડિયોઝના અરુણકુમાર કહે છે કે આ એક અણસમજથી થયેલી ભૂલ હતી. તેઓ કહે છે, ‘લાગે છે કે સ્ટુડિયોના બીજા ફ્લોર પર કામ કરી રહેલા ઑપરેટરમાંથી કોઈકે આકસ્મિક રીતે આ કૅમેરા લઈ લીધો હશે. તેમને જ્યારે ખબર પડી ત્યારે તેમણે તરત જ ‘ડિપાર્ટમેન્ટ’ની ટીમને એ સુપરત કર્યો હતો.’

આ કિસ્સો પોલીસ આવી એ પહેલાં જ સૉલ્વ થઈ ગયો હતો. રામગોપાલ વર્માની ટીમના સભ્ય સંદીપ ગંગટકર કહે છે કે કૅમેરા અન્ય પ્રકારનો હતો અને તેમને લાંબા સમય સુધી રાહ જોવી નહોતી પડી.