19 June, 2024 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મમેકર સંજય ગુપ્તા
ફિલ્મમેકર સંજય ગુપ્તાએ ફિલ્મોની ટિકિટને લઈને વર્તમાનમાં ચાલી રહેલા ટ્રેન્ડ પર નિંદા કરી છે. તેનું કહેવું છે કે એક પર એક ટિકિટ ફ્રી આપવાથી પ્રોડ્યુસરોને નુકસાન થવાનું છે. થિયેટરના માલિકને તો એનો પ્રૉફિટ મળી જશે. સંજય ગુપ્તાએ ‘કાંટેં’, ‘મુસાફિર’, ‘શૂટઆઉટ ઍટ વડાલા’, ‘કાબિલ’ અને ‘મુંબઈ સાગા’ને ડિરેક્ટ કરી છે. એક પર એક ટિકિટ ફ્રી વિશે સંજય ગુપ્તા કહે છે, ‘બાય વન ગેટ વન એ બકવાસ છે. આ કલેક્શન્સ વધારવાનું માધ્યમ છે. બાય વન ગેટ વનમાં પ્રોડ્યુસરને શું મળે છે? થિયેટરના માલિકને તો તેમના પૈસા મળી જાય છે, પરંતુ નુકસાન પ્રોડ્યુસરોને થાય છે. તો આવું કરવાનો અર્થ શું છે? પહેલા અઠવાડિયે દર્શકો પૂરા પૈસા ચૂકવે છે અને બીજા અઠવાડિયે દર્શકોને એક પર એક ટિકિટ ફ્રી મળે છે. તો પહેલા અઠવાડિયે જે પણ લોકો ફિલ્મ જોવા ગયા હોય તેમની સાથે તો આ ચીટિંગ થયું કહેવાય. લોકો એમ વિચારશે કે જબ ઑફર આએગા તબ જાએંગે. ફિલ્મના બજેટ પ્રમાણે ટિકિટ ચાર્જ કરવી જોઈએ. ફિલ્મ પર કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે એ મુજબ ટિકિટની કિંમત રાખવી જોઈએ. ‘કલ્કિ 2898 AD’ જેવી ફિલ્મની ટિકિટનો ભાવ પાંચસો રૂપિયા રાખવામાં આવે તો પણ એ યોગ્ય કહેવાય.’