08 December, 2025 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર સાથે ડિરેક્ટર અનિલ શર્મા
સુપરસ્ટાર ધર્મેન્દ્રનું ચોવીસમી નવેમ્બરે ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. હાલમાં ‘ગદર - એક પ્રેમકથા’ જેવી ફિલ્મને ડિરેકટ કરનારા અનિલ શર્માએ એક મુલાકાતમાં અફસોસ વ્યક્ત કર્યો હતો કે ધર્મેન્દ્રએ તેમની પાસે તેમના માટે દમદાર રોલ લખવાની છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી કારણ કે તેઓ ફિલ્મોમાં કમબૅક કરવા ઇચ્છતા હતા પણ કમનસીબે તેઓ આ ઇચ્છા પૂરી નથી કરી શક્યા.
પોતાની આ લાગણી વ્યક્ત કરતાં અનિલ શર્માએ કહ્યું હતું કે ‘હું સપ્ટેમ્બરમાં બૉબી દેઓલને મળવા તેના ઘરે ગયો હતો. ધર્મેન્દ્રજી પણ ત્યાં બેઠા હતા. ઘણા લોકો તેમને મળવા આવતા અને તેઓ સૌને મળતા. તેઓ મને પણ મળ્યા અને પૂછ્યું કે હું આજકાલ શું કરી રહ્યો છું? તેમણે મને કહ્યું કે બેટા મારા માટે એક કમાલનો રોલ લખ. મારે હજી કંઈક કરવું છે. કૅમેરો મારી મેહબૂબા છે, એ મને બોલાવી રહ્યો છે. મારે એના પાસે જવું છે. કંઈક કર, કોઈ સારો રોલ લખ. મેં તેમને વચન આપ્યું હતું કે હું તેમના માટે કોઈ રોલ જરૂર લખીશ. મને ખબર નહોતી કે થોડા મહિના બાદ તેમનું અવસાન થઈ જશે. તેમની સાથે આ મારી છેલ્લી મુલાકાત હતી.’