ફિલ્મ પ્રિવ્યુઃ રૉર - ધ ટાઇગર્સ ઑફ સુંદરબન્સ

29 October, 2014 05:52 AM IST  | 

ફિલ્મ પ્રિવ્યુઃ રૉર - ધ ટાઇગર્સ ઑફ સુંદરબન્સ


ઉદય નામનો એક ફોટો-જર્નલિસ્ટ સુંદરવનમાં ફોટોગ્રાફી માટે જાય છે. ત્યાં તેને વાઘનું એક બચ્ચું ઘાયલ અવસ્થામાં મળે છે. ઉદય એ બચ્ચું લઈને ગામમાં આવે છે અને રાતના સમયે માદા વાઘ ગામ પર હુમલો કરી તેના બચ્ચાના લોહીને સૂંઘતી છેક ઉદય સુધી પહોંચી જાય છે. વાઘ ઉદયનો શિકાર કરી તેને લઈને જંગલમાં ચાલી જાય છે. ઉદયને શોધવા તેનો કમાન્ડો ભાઈ પંડિત ગામમાં આવે છે. સાચી વાત ખબર પડ્યા પછી તે જંગલમાં જવાની તૈયારી કરે છે, પણ તેને સાથ આપવા કોઈ તૈયાર નથી એટલે પંડિત પોતાની કમાન્ડો ટીમ બોલાવે છે અને જંગલના ગાઇડ મધુ સાથે જંગલમાં ઊતરે છે.

અહીંથી શરૂ થાય છે સોશ્યલ ઍનિમલ અને વાઇલ્ડ ઍનિમલ વચ્ચેની વૉર. આ વૉરમાં સ્વાભાવિક રીતે સલ્તનત વાઘની છે એટલે જે કોઈ એનો શિકાર કરવા જંગલમાં ઊતર્યા છે એનો જ શિકાર થવો શરૂ થઈ જાય છે. ઝનૂન સાથે જંગલમાં ઊતરેલા કમાન્ડોની સામે એક વાઘ છે, પણ એ એવી પરિસ્થિતિ નિર્માણ કરી દે છે કે આધુનિક હથિયારો હોવા છતાં પણ તે સૌ પોતાની જાતને લાચાર માનવા માંડે છે.પ્રકૃતિ અને પ્રકૃતિ સાથે જીવી રહેલાં પ્રાણીઓને છંછેડવાનું ટાળશો તો એ તમને ક્યાંય નડશે નહીં એવો સંદેશો આપતી આ ફિલ્મમાં બનાવવામાં આવેલો સફેદ વાઘ કમ્પ્યુટર પર બન્યો છે.