ફિલ્મ પ્રિવ્યુ: સુપર નાની

29 October, 2014 05:55 AM IST  | 

ફિલ્મ પ્રિવ્યુ: સુપર નાની

ભારતી ભાટિયા (રેખા) પોતાના પતિ (રણધીર કપૂર) અને પુત્ર-પુત્રવધૂના કામમાંથી નવરી નથી પડતી અને એ પછી પણ ઘર આખું તેને વાત-વાતમાં ઉતારી પાડ્યા કરે છે. તું ગમાર છે, તને કંઈ ભાન નથી પડતી, દુનિયા બદલાઈ ગઈ પણ તું હજીયે જુનવાણી જ રહી... જેવા અનેક ડાયલૉગ્સ ભારતીએ દરરોજ સાંભળવા પડે છે. ભારતીને એ સાંભળીને દુ:ખ થાય છે, પણ તે મનમાં ને મનમાં સમસમીને ચૂપ રહે છે. આ જ જિંદગી કહેવાય એવું તેણે હવે સ્વીકારી લીધું છે. ભારતીની દીકરીનાં મૅરેજ દુબઈમાં થયાં છે. એક દિવસ દુબઈથી તેનો દોહિત્ર મન (શર્મન જોષી) ઇન્ડિયા આવે છે. કામસર ઇન્ડિયા આવેલા આ દોહિત્રની આંખો સામે પણ ભારતીનું સતત અપમાન થયા કરે છે. નાનીનું આ અપમાન જોઈને મન નક્કી કરે છે કે તે નાનીને સુપરનાની બનાવશે અને ઘરમાં નાનીનું માન અને સન્માન વધારવાની દિશામાં આગળ વધે છે. એક તબક્કો એવો આવી જાય છે કે જે નાની એકલી ઘરની બહાર પણ નીકળવાની હિંમત નહોતી કરતી તે જ નાનીનો નાનપણનો સ્કૂલ-ફ્રેન્ડ (અનુપમ ખેર) નાનીને ઇન્ડિયાની બેસ્ટ મૉડલ બનાવી દે છે. નાની હવે સુપરનાની છે અને ઘરનું વાતાવરણ સાવ અલગ જ છે.

ભારતી હવે પોતાના મૉડલિંગનાં કામોમાં બિઝી છે અને તેની વ્યસ્તતાને લીધે ઘર આખું રફેદફે થઈ જાય છે. બધાને પારાવાર તકલીફો પડી રહી છે. પરિવારને પડી રહેલી આ તકલીફોથી ભારતીને દુ:ખ થાય છે, પણ મન તેની એ તમામ લાગણીઓને કાબૂમાં રાખે છે અને પોતાના કહ્યા મુજબ જ ચાલવાનું કહે છે. મા, દાદી અને નાની ઘરની એવી વ્યક્તિ છે કે જેણે ઘરના સૌને સુખ મળે અને તેમની જરૂરિયાત પૂરી થાય એ માટે આખી જિંદગી હોમી દીધી હોય છે એ વાત પ્રસ્થાપિત કરવાની કોશિશ સુપર નાનીમાં થઈ છે.