ફિલ્મ પ્રિવ્યુઃ રંગ રસીયા

06 November, 2014 05:51 AM IST  | 

ફિલ્મ પ્રિવ્યુઃ રંગ રસીયા


રાજા રવિ વર્મા એક ચિત્રકાર હતા અને તેમના જીવન પરથી મરાઠી નવલકથાકાર રણજિત દેસાઈએ નૉવેલ લખી, જે કેતન મહેતાએ વાંચી અને તેમણે એ નૉવેલ પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મમાં રાજા રવિ વર્માનું કૅરૅક્ટર રણદીપ હૂડા કરે છે તો રાજા રવિ વર્માને પેઇન્ટિંગની પ્રેરણા જેણે આપી હતી એ સુગંધાનું કૅરૅક્ટર નંદના સેન કરે છે. રાજા રવિ વર્માનાં પેઇન્ટિંગ્સ આજે પણ અનેક મરાઠીઓના ઘરમાં અત્યંત આદર સાથે રાખવામાં આવ્યાં છે.


રાજા રવિ વર્મા (રણદીપ હૂડા) માટે પેઇન્ટિંગ એક કલા છે, પણ તે આ કલામાંથી જીવન જીવવાની શોધ કરી રહ્યો છે. તેની એ ઇચ્છા પૂરી નથી થઈ રહી અને આ જ કારણે તે માને છે કે તેના પેઇન્ટિંગની પાસે કૅન્વસનું શરીર છે, પણ એમાં આત્માનો અભાવ છે. એક સમયે અનાયાસ રાજા રવિ વર્માની લાઇફમાં સુગંધા (નંદના સેન) આવે છે. સુગંધા પ્રેમની શોધમાં છે અને રાજા રવિ વર્માને સુગંધાના ચહેરામાં રંગદેવી દેખાય છે.

બંન્ને વચ્ચે ઉત્કટ સંબંધોની શરૂઆત થાય છે અને એ સંબંધોની શરૂઆતની સાથોસાથ જ રાજા રવિ વર્માની કલામાં પણ અનોખો નિખાર આવવો શરૂ થાય છે, પણ આ નિખારની સાથે જ વિવાદનું એ સ્તર આવે છે કે કેવી રીતે શારીરિક સંબંધો હોય એ જ વ્યક્તિમાં તમે કોઈ દેવીનું રૂપ જોઈ શકો. સેક્સ પણ એક આર્ટ છે એ સંદર્ભના મુદ્દા સાથે ફિલ્મ ‘રંગરસિયા’ સેન્સર ર્બોડમાં પણ અટવાઈ હતી.હિન્દી ઉપરાંત ‘કલર્સ ઑફ પૅશન’ના નામથી અંગ્રેજીમાં પણ બનેલી આ ફિલ્મમાં રણદીપ હૂડા અને નંદના સેન ઉપરાંત પરેશ રાવલ, આશિષ વિદ્યાર્થી, સચિન ખેડેકર, દર્શન જરીવાલા, રજત કપૂર, વિક્રમ ગોખલે, સુહાસિની મૂળે, વિપિન શર્મા, ટૉમ ઑલ્ટર જેવા અન્ય ઍક્ટર પણ છે.