ફિલ્મ પ્રિવ્યુ : હૅપી ન્યુ યર

23 October, 2014 04:26 AM IST  | 

ફિલ્મ પ્રિવ્યુ : હૅપી ન્યુ યર




ક્રિસમસની રજામાં દુબઈમાં એક વર્લ્ડ ડાન્સ-કૉમ્પિટિશન છે જેમાં ભાગ લેવા માટે જગતભરમાંથી ટીમો આવી છે. આ તમામ ટીમની એક જ મકસદ છે કે કોઈ પણ હિસાબે કૉમ્પિટિશન જીતવી અને દેશનું નામ રોશન કરવું. એ બધી ટીમો વચ્ચે એક ટીમ એવી પણ છે જેને ડાન્સનો D પણ બરાબર નથી આવડતો, પણ એની મકસદ એક જ છે - બદલો. આ ટીમ છે ઇન્ડિયાની ટીમ અને ઇન્ડિયાની આ ટીમનો કૅપ્ટન છે ચંદ્રમોહન શર્મા ઉર્ફે ચાર્લી (શાહરુખ ખાન). ચાર્લીને ભણતર બૉસ્ટન યુનિવર્સિટીમાંથી મળ્યું છે, પણ તેનું ગણતર મુંબઈની સૌથી ખરાબ કહેવાય એવી ચાલ અને ગલીઓમાં થયું છે. ચાર્લી તેની જિંદગીમાં કંઈ પામી નથી શક્યો અને એટલે જ તેના પર નિષ્ફળનું લેબલ લાગી ગયું છે. દુબઈમાં થનારી ડાન્સ-કૉમ્પિટિશન માટે જે ટીમ તૈયાર કરવાની છે એમાં ચાર્લી સૌથી પહેલાં નંદુ ભીડે (અભિષેક બચ્ચન)ને પોતાની સાથે લે છે. નંદુએ પણ તેની લાઇફમાં નિષ્ફળતા સિવાય કંઈ જોયું નથી. તેની પર્સનલ લાઇફ સાવ ખતમ થઈ ગઈ છે તો તેના પર દેવું પણ ગંજાવર ચડી ગયું છે. તકલીફો વચ્ચે નંદુને દારૂએ જ સાથ આપ્યો છે. હવે સાથ આપવામાં ચાર્લી ઉમેરાય છે.

અબજો રૂપિયાની ડાન્સ-કૉમ્પિટિશન માટે ચાર્લીની ટીમનો ત્રીજો મેમ્બર બન્યો છે ટેમ્ટન ઈરાની (બમન ઈરાની) એટલે કે ટેમી. પારસી બૅચલર એવો ટેમી આમ તો શેફ છે, પણ તાળાં ખોલવામાં તેની માસ્ટરી છે. ચાર્લીની સાથે ચોથી વ્યક્તિ છે કૅપ્ટન જગમોહન પ્રકાશ (સોનુ સૂદ) એટલે કે જગ. ઇન્ડિયન આર્મીમાં રહેલો જગ બૉમ્બ ડિફ્યુઝ કરવામાં ઉસ્તાદ છે તો એ જ જગ બૉમ્બ બનાવવામાં પણ એક્સપર્ટ છે. આખી ટીમમાં જગનો ગુસ્સો ટેરિફિક છે. નાનીઅમસ્તી વાતમાં પણ તેને ગુસ્સો આવીને તે મારામારી કરી બેસે છે. જગના આ ગુસ્સાને કન્ટ્રોલ કરવાનું કામ ચાર્લી માટે બહુ તકલીફવાળું છે, પણ જગ મહત્વનો હોવાથી તેને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ચાર્લી, નંદુ, જગ અને ટેમી ઉપરાંત આ જ ટીમમાં રોહન સિંહ (વિવાન શાહ) છે. વિવાન નાનપણથી ગુનાઓના રવાડે ચડી ગયો છે, પણ તે વેબસાઇટ હૅક કરવામાં ઉસ્તાદ છે. તે ટાઇમપાસ માટે પણ વેબસાઇટ હૅક કરે છે તો પૈસા ટ્રાન્સફર કરી લેવા માટે પણ આવું કામ કરતાં ખચકાતો નથી.

સત્તર વર્ષના રોહનથી લઈને બાવન વર્ષના ટેમી સાથે ચાર્લી ડાન્સ-કૉમ્પિટિશનમાં ઊતરવા માગે છે, પણ મજાની વાત એ છે કે આ ટીમ પાસે માત્ર ઝનૂન છે. આ ઝનૂનીઓને ડાન્સ શીખવવા માટે ચાર્લી મોહિની જોશી (દીપિકા પાદુકોણ)ને લઈ આવે છે. મોહિની બારગર્લ છે અને તેનું ખ્વાબ છે કે એક દિવસ તે પોતાની ડાન્સ-ઍકૅડેમી શરૂ કરશે. હંમેશાં ખરાબ નજર સહન કરતી અને માન માટે તરસતી રહેતી મોહિની ચાર્લીની ટીમને તૈયાર કરવાનું કામ શરૂ કરે છે. જોકે એક દિવસ તેને અચાનક ખબર પડે છે કે જે ટીમ છે એ ડાન્સ માટે નહીં પણ દુબઈના બિઝનેસ-ટાઇકૂન ચરણ ગ્રોવર (જૅકી શ્રોફ)ની સામે જંગે ચડવા માટે આ કૉમ્પિટિશનનો ઉપયોગ કરી રહી છે ત્યારે તે બધાને છોડીને નીકળી જાય છે, પણ ચાર્લી તેની સામે બધાનો ભૂતકાળ વર્ણવે છે. ચરણ ગ્રોવર એ માણસ છે જે અસંખ્ય નર્દિોષ લોકોને ફસાવીને અબજોપતિ બન્યો છે. એક તબક્કે ટીમને છોડવા તૈયાર થયેલી મોહિની હવે ટીમને સાથ આપવા તૈયાર થાય છે અને એની તૈયારીની સાથે ઇન્ડિયાવાલે કોઈક જુદા જ મકસદ સાથે દુબઈ જવા રવાના થાય છે. ટીમનો હેતુ ચરણની અબજો રૂપિયાની સંપત્તિ અને ઝવેરાત લૂંટીને તેને કડકો કરી નાખવાનો છે, પણ એમ કરવા જતાં આખી ટીમ ફસાઈ જાય છે. જોકે ફસાયેલી એ પરિસ્થિતિ વચ્ચે પણ બધા એક રહીને આગળ વધે છે.

ફિલ્મનું મ્યુઝિક વિશાલ-શેખરનું છે જેમાંથી ‘ઇન્ડિયાવાલે...’ અને ‘મનવા લાગે...’ બે ગીતો હિટ થયાં છે, જ્યારે બાકીનાં ગીતો ઍવરેજ પુરવાર થયાં છે.

રીમેક છે આ?

જો વાત સાચી હોય તો ‘હૅપી ન્યુ યર’ ઓરિજિનલ નથી પણ ૧૯૭૩માં આ જ નામથી રિલીઝ થયેલી એક ફ્રેન્ચ ફિલ્મની નકલ છે. એ ફિલ્મમાં બે આરોપીઓ જેલમાંથી છૂટીને નીકળે છે અને નક્કી કરે છે કે નવા વર્ષની પૂર્વસંધ્યાએ એક લૂંટ કરવી. બન્ને આરોપીઓ એક ટીમ બનાવવાનું શરૂ કરે છે અને ધાર્યું મિશન પાર પાડવાની તૈયારી હોય છે ત્યારે જ ટીમમાં અસંતોષ શરૂ થાય છે અને બધા છૂટા પડી જાય છે. જોકે એક સમયે બધાને ખબર પડે છે કે જે કંઈ કરવામાં આવી રહ્યું છે એ જૂની અદાવતનું કારણ છે અને ટીમનો લીડર ચાર્લી આ મિશન પૂરું કરી, બધા જ પૈસા ટીમમાં આપીને કાયમ માટે દેશ છોડી દેવાનો છે. ચાર્લી સાથે શું બન્યું હતું એ જાણ્યા પછી ફરી ટીમ એક થાય છે અને ‘મિશન હૅપી ન્યુ યર’ પર લાગી જાય છે.

સ્ક્રિપ્ટ છે સાત વર્ષ જૂની

૨૦૦૭માં શાહરુખ-ફારાહ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’ રિલીઝ થઈ એ પછી આ જ ટીમે આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને સ્ક્રિપ્ટ પણ તૈયાર કરવામાં આવી, પરંતુ એ દિવસોમાં ફારાહનો હસબન્ડ ફિલ્મ ‘જોકર’ લખતો હતો જે શાહરુખ ખાન જ બનાવવાનો હતો. શાહરુખ ખાને ‘જોકર’ની સ્ક્રિપ્ટ રિજેક્ટ કરતાં શાહરુખ-ફારાહ વચ્ચે મતભેદ શરૂ થયા અને એ દરમ્યાન ફારાહે અક્ષયકુમાર સાથે ‘તીસ માર ખાન’ અનાઉન્સ કરી જે આડકતરી રીતે શાહરુખ સામે બળવો જ હતો, કારણ કે એ દિવસોમાં અક્ષયકુમાર શાહરુખ ખાનનો વિરોધી કહેવાતો. અક્ષયકુમાર સાથે એ ફિલ્મ અનાઉન્સ થતાં જ શાહરુખે ફારાહના ‘હૅપી ન્યુ યર’ પ્રોજેક્ટને અભરાઈએ ચડાવી દીધો. ફારાહ ખાન જ્યારે બહાર કામ કરતી હતી ત્યારે તેની ઇચ્છા તો ‘હૅપી ન્યુ યર’ બહાર બનાવવાની પણ હતી, પરંતુ એ ફિલ્મના રાઇટ્સ શાહરુખ ખાનની કંપની પાસે હોવાથી તે કંઈ કરી શકી નહીં. વષોર્ પછી બન્ને વચ્ચે સેટલમેન્ટ થયું એટલે ફરી એ જ પ્રોજેક્ટ અભરાઈથી નીચે ઊતર્યો અને જરૂરી ફેરફાર સાથે એના પર કામ શરૂ થયું.