અન્ડરવર્લ્ડ પરની ફિલ્મ મુંબઈ સાગા અભરાઈએ?

02 December, 2014 05:06 AM IST  | 

અન્ડરવર્લ્ડ પરની ફિલ્મ મુંબઈ સાગા અભરાઈએ?


સંજય ગુપ્તા જેના પર ભારોભાર મદાર રાખી રહ્યા હતા એ ફિલ્મ ‘મુંબઈ સાગા’ ઑલમોસ્ટ બંધ કરવાનો તેમણે નિર્ણય લઈ લીધો છે અને સ્ક્રિપ્ટ અભરાઈએ ચડાવી દીધી છે. એટલું જ નહીં, ફિલ્મના લીડ સ્ટાર તરીકે સાઇન થયેલાં જૉન એબ્રાહમ, અનિલ કપૂર, મનોજ બાજપાઈ, આશુતોષ રાણા અને શ્રૃતિ હાસને ફિલ્મને ફાળવેલી ડેટ પણ પાછી આપી દીધી છે. સંજય ગુપ્તાએ ડાયરેક્ટ્લી તો આ વાત કબૂલ કરી નહોતી, પણ એટલું કહ્યું હતું કે અત્યારે તે બીજા પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપી રહ્યો હોવાથી ‘મુંબઈ સાગા’ પર હમણાં ધ્યાન આપી શકાશે નહીં. સંજય ગુપ્તાની ‘મુંબઈ સાગા’ને એનું બજેટ નડી ગયું છે.

સંજય ગુપ્તાની આ ફિલ્મની પ્રોડક્શન-કૉસ્ટ જ નેવું કરોડ રૂપિટ્યાની આવતી હતી. આ ઉપરાંત પ્રમોશન અને પબ્લિસિટીનો ખર્ચ પણ જો ઍડ કરવામાં આવે તો ફિલ્મ સો કરોડને ટચ કરતી હતી. સામા પક્ષે ફિલ્મ પાસે કોઈ એવો સ્ટાર નહોતો જે સો કરોડની ફિલ્મની બૉક્સ-ઑફિસ પર રિકવરી લાવી શકે. આ જ કારણે સંજય ગુપ્તાની આ ફિલ્મમાં પ્રોડ્યુસર અને કો-પ્રોડ્યુસર તરીકે જોડાવા માટે કોઈ તૈયાર થયું નહીં. સંજય ગુપ્તાએ લાગલગાટ એક વર્ષ મહેનત કરી, પણ એ પછીયે રિઝલ્ટ ન આવતાં ફાઇનલી આ ફિલ્મ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

શું હતી ‘મુંબઈ સાગા’?

અન્ડરવર્લ્ડ મુંબઈમાં કેવી રીતે શરૂ થયું અને એ અન્ડરવર્લ્ડની વચ્ચે પૉલિટિશ્યને એનો કેવો ગેરલાભ લીધો એ વાત ‘મુંબઈ સાગા’માં દેખાડવામાં આવી હતી. ફિલ્મની વાર્તા ૧૯૬૦થી ૧૯૯૫નો સમયગાળો દેખાડે છે. એ સમયગાળામાં કરીમ લાલા અને હાજી મસ્તાનથી લઈને દાઉદ ઇબ્રાહિમ અને છોટા રાજને આતંક ફેલાવ્યો હતો. ફિલ્મમાં બાળ ઠાકરે, શરદ પવાર અને ભાઈ ઠાકુરનાં કૅરૅક્ટર પણ બનાવવામાં આવ્યાં હતાં.