જેને પ્રોડ્યુસ કરવા તૈયાર નહોતું એ 'કહાની' ફિલ્મે કરોડોની કમાણી કરી હતી

11 February, 2020 10:26 AM IST  |  Mumbai | Ashu Patel

જેને પ્રોડ્યુસ કરવા તૈયાર નહોતું એ 'કહાની' ફિલ્મે કરોડોની કમાણી કરી હતી

ફિલ્મ' કહાની'

સુજૉય ઘોષ ‘કહાની’ની સ્ક્રિપ્ટ લઈને પ્રોડ્યુસર્સની ઑફિસનાં પગથિયાં ઘસી રહ્યા હતા એ દરમ્યાન આદિત્ય ચોપડા પાસે પણ તેઓ આ ફિલ્મ બનાવવાની પ્રપોઝલ લઈને ગયા હતા. આદિત્ય ચોપડાને પણ ‘કહાની’ની સ્ટોરી અને સ્ક્રિપ્ટ દમ વિનાની લાગી હતી એટલે તેમણે એ ફિલ્મ પ્રોડ્યુસ કરવાની ના પાડી દીધી હતી.

સુજૉય ઘોષે ‘કહાની’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એ પહેલાં તેઓ ૨૦૦૩માં ‘ઝંકાર બીટ્સ’ ફિલ્મ બનાવી ચૂક્યા હતા. ત્રણ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ઠીક ઠીક અને સારો દેખાવ કરી શકી હતી. એ ફિલ્મે વર્લ્ડવાઇડ ૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એ પછી ૨૦૦૫માં તેમણે ‘હોમ ડિલિવરી: આપ કો... ઘર તક’ બનાવી અને ૨૦૦૯માં ‘અલાદીન’ ફિલ્મ બનાવી. એ બન્ને ફિલ્મો ફ્લૉપ સાબિત થઈ એટલે તેમણે છેલ્લાં લગભગ ૮ વર્ષ દરમ્યાન બનાવેલી ફિલ્મોના રેકૉર્ડ પરથી તેમના પર ફ્લૉપ ડિરેક્ટરનું લેબલ લાગી ચૂક્યું હતું.

ઘોષે ‘કહાની’ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે પહેલાં તો તેમણે વિદ્યા બાલનને એ ફિલ્મમાં હિરોઇન તરીકે અભિનય કરવા માટે કન્વીન્સ કરી અને પછી તેઓ એ પ્રોજેક્ટ લઈને અનેક પ્રોડ્યુસર્સ પાસે ગયા હતા, પણ તમામ જગ્યાએથી તેમને જાકારો મળ્યો હતો.

આવી રીતે ઘણીબધી જગ્યાએથી રિજેક્શન્સ સહન કર્યા પછી સુજૉય ઘોષ પેન એન્ટરટેઇનમેન્ટના ચૅરમૅન જયંતીલાલ ગડા પાસે ગયા અને જયંતીલાલ ગડાએ એ ફિલ્મ પ્રોડ્યુસ કરવાનું જોખમ ઉઠાવવાની તૈયારી બતાવી. એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એને અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો. એ ફિલ્મ માત્ર ૮ કરોડ રૂપિયામાં બની હતી અને બૉક્સ-ઑફિસ પર જ એનું કલેક્શન ૧૦૪ કરોડ રૂપિયા હતું! ઓવરસીઝ રાઇટ્સ, સૅટેલાઇટ રાઇટ્સ અને અન્ય રાઇટ્સની કમાણી તો જુદી!

૨૦૧૨માં એ ફિલ્મ માટે સુજૉય ઘોષને બેસ્ટ સ્ક્રીનપ્લે (ઓરિજિનલ) માટે નૅશનલ અવૉર્ડ મળ્યો તો બેસ્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો અને બેસ્ટ સ્ટોરી તથા બેસ્ટ ડિરેક્ટર તરીકે તેમને કલર્સ સ્ક્રીન્સ અવૉર્ડ્સ મળ્યા. એ ઉપરાંત બેસ્ટ ડિરેક્ટર અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટે સ્ટાર ગિલ્ડ અવૉર્ડ પણ તેમને મળ્યા. જે ડિરેક્ટરના નામનું હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીએ ઠંડે કલેજે નાહી નાખ્યું હતું એની ફિલ્મ સુપરહિટ થઈ ગઈ અને એ સાથે સુજૉય ઘોષનું નામ ખૂબ મોટું થઈ ગયું. ‘કહાની’ ફિલ્મના તેઓ કો-પ્રોડ્યુસર પણ હતા.

પ્રોડ્યુસર જયંતીલાલ ગડા ‘એક્સ્ટ્રા શૉટ્સ’ માટે માહિતી આપતાં કહે છે કે ‘કહાની’ સુપરહિટ સાબિત થઈ એ પછી તેલુગુ, કોરિયન અને ચાઇનીઝ ફિલ્મમેકર્સે એ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા હતા.

બાય ધ વે, એ ફિલ્મની ઇંગ્લિશ રીમેક માટે પણ એક પાવરફુલ પ્રોડક્શન-કંપનીએ રાઇટ્સ લીધા. એ પ્રોડક્શન કંપની હતી યશરાજ!

યસ, ‘કહાની’ની હિન્દી ફિલ્મ માટેની સ્ક્રિપ્ટ રિજેક્ટ કરનાર આદિત્ય ચોપડાએ એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ એ પછી એ ફિલ્મની ઇંગ્લિશ રીમેક માટે રાઇટ્સ લીધા!

kahaani ashu patel bollywood news entertaintment