16 June, 2024 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવને શેર કરેલ પુત્રી સાથેની તસવીર (ડાબે)
આજે વિશ્વભરમાં ફાધર્સ ડે (Fathers Day 2024)ની ઉજવણી કરવામાં આવી રહી છે. સૌ કોઈ સોશિયલ મીડિયામાં પોતાના પિતા સાથેની યાદગાર તસવીરો શેર કરી રહ્યા છે. તેમાં બૉલીવુડ સેલેબ્સ પણ બાકી રહ્યા નથી. આ વચ્ચે તાજેતરમાં જ પિતા બનેલો વરુણ ધવન પણ કૈંક નવી જ પોસ્ટ લઈને આવ્યો છે. તેણે આજે તેની પુત્રીનો પહેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ પોસ્ટ પર અનેક સેલેબ્સ પોતાની કમેન્ટ્સ કરી રહ્યા છે. જ્હાન્વી કપૂર અને ઝોયા અખ્તરે હાર્ટ ઇમોજીસ દ્વારા આ પોસ્ટને વધાવી હતી. જ્યારે પરિણીતી ચોપરાએ પણ આ પોસ્ટ પર સુંદર કમેન્ટ કરી હતી.
વરુણ ધવને શેર કરેલ ક્યૂટ ફોટોમાં શું જોવા મળે છે?
હજી તો આ જ મહિનાની ત્રીજી તારીખે વરુણ ધવન (Varun Dhawan) ફૂલ જેવી પરીનો પિતા (Fathers Day 2024) બન્યો હતો. નતાશા દલાલે 13 દિવસ પહેલા પુત્રીને જન્મ આપ્યો હતો. આજ સુધી કપલે પુત્રીનો ફોટો શેર કર્યો નહોતો, પરંતુ વરુણ ધવને આજે ફાધર્સ ડે પર ચાહકો માટે તેની પુત્રી સાથેનો એક ખાસ ફોટો શેર કર્યો છે. સાથે અભિનેતાએ ખાસ મેસેજ પણ લખ્યો છે.
વરણે શેર કરેલા ફોટામાં વરુણનો હાથ તેની પુત્રીએ પકડેલો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે બીજા ફોટામાં વરુણ તેના પેટ ડૉગ જોયનો પંજો પકડી રહ્યો છે. આ ફોટોઝ શેર કરીને વરુણ ધવને લખ્યું છે કે, “બધાને ફાધર્સ ડે (Fathers Day 2024)ની શુભેચ્છા. મારા પિતાએ મને શીખવ્યું કે આ દિવસની ઉજવણી કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે બહાર જઈને મારા પરિવાર માટે કામ કરવું, તેથી હું તે જ કરીશ. વળી, એક દીકરીના પિતા બનવાથી મોટી ખુશી બીજી શું હોઈ શકે?”
વરુણ અને નતાશાની દીકરીનો જન્મ બાદ કોઈ તસવીર શેર કરવામાં આવી નહોતી. પણ હવે વરુણે ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. વીડિયો પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, `બેબી ધવન, પ્રાઉડ પેરેન્ટ્સ નતાશા અને વરુણ, પ્રાઉડ ફેમિલી. વળી આ કેપ્શનમાં વરુણે લખ્યું છે કે, `અમારી બેબી ગર્લ આવી છે`, અને કહ્યું, દરેકને તેમની શુભકામનાઓ માટે આભાર.’
દીકરી સાથે નવા ઘરમાં રહેવા જશે કપલ?
Fathers Day 2024: એવા પણ અહેવાલ મળ્યા હતા કે આ કપલ પોતાના ઘરે બાળકના જન્મ બાદ એક મોટા ઘરમાં રહેવા જવાનું છે. તમને જણાવી દઈએ એક વરુણ અને નતાશા જુહુમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા જો કે, તાજેતરના અહેવાલો સૂચવે છે કે અભિનેતાએ સાથી અભિનેતા હ્રતિક રોશનનું મુંબઈના જુહુમાં દરિયાઈ તરફનું ભવ્ય ઘર ભાડેથી લેવાનું નક્કી કર્યું છે. આ જ નવા ઘરમાં વરુણ અને નતાશા તેમની દીકરી સાથે શિફ્ટ પણ થઈ શકે છે.