‘ડૉન ૩’ બનાવવાની મેં ક્યારેય ના નથી પાડી : ફરહાન અખ્તર

21 December, 2011 09:48 AM IST  | 

‘ડૉન ૩’ બનાવવાની મેં ક્યારેય ના નથી પાડી : ફરહાન અખ્તર

 

ફરહાન અખ્તરે થોડા દિવસ પહેલાં એક ઇન્ટરવ્યુમાં જ્યારે કહ્યું કે તે અત્યારે ‘ડૉન’ની સિરીઝથી બ્રેક લેવા માગે છે ત્યારે ઘણાએ ધારી લીધું હતું કે ફરહાન હવે આ સિરીઝનો ત્રીજો ભાગ ‘ડૉન ૩’ નહીં બનાવે. જોકે ફરહાને જ આ બાબતે ચોખવટ કરવાનું નક્કી કર્યું છે અને તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેણે ક્યારેય એ નહોતું કહ્યું કે તે આ ત્રીજી ફિલ્મ નહીં બનાવે, પણ અત્યારે માત્ર ડિરેક્ટર તરીકે તે ઍક્શન-ફિલ્મ જ નથી બનાવવા માગતો.

ફરહાનનું કહેવું હતું કે તેણે ૨૦૦૬માં ડિરેક્ટર તરીકે ‘ડૉન’ બનાવી અને ત્યાર પછી ‘ડૉન ૨’ સાથે તે શુક્રવારે આવી રહ્યો છે. આ સમયે તે માત્ર ઍક્શન-ફિલ્મો માટે જ જાણીતો થઈ જાય એવું તેણે નથી કરવું અને તે આ સિરીઝને આગળ લઈ જવા માગે જ છે, પણ એ પ્રોજેક્ટ પર તે હમણાં કામ નહીં કરે અને ડિરેક્ટર તરીકે અન્ય વિષયો પર કામ કરવા માગે છે. જોકે તેના કહેવા પ્રમાણે ‘ડૉન ૨’ બાદ તે આ સ્ટોરીને આગળ લઈ જવા માગે જ છે.

‘ડૉન’ને રાહત

શાહરુખ ખાન, પ્રિયંકા ચોપડા, લારા દત્તા અને બમન ઈરાનીને ચમકાવતી ‘ડૉન ૨’ની રિલીઝ અટકાવવામાં આવે એ માટેની કોર્ટમાં થયેલી અરજીને આજે રદ કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન અને ઝીનત અમાનને ચમકાવતી મૂળ ‘ડૉન’ના પ્રોડક્શન હાઉસ નરીમાન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી સોમવારે બૉમ્બે હાઈ કોર્ટમાં થઈ હતી. જોકે ફિલ્મની રિલીઝ પહેલાંનાં ઍડ્વાન્સ બુકિંગ શરૂ થઈ ગયાં હોવાથી ફિલ્મની રિલીઝ પર કોઈ રોક લગાવવામાં નહીં આવે. કૉપીરાઇટના ભંગના મુદ્દે ૨૦૦ કરોડ રૂપિયા ચૂકવવાની અપીલ કરી હતી. જોકે આ ૨૦૦ કરોડ રૂપિયાના મામલે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.