01 May, 2023 02:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાયેદ ખાન
ઝાયેદ ખાને જણાવ્યું છે કે તેની ફિલ્મ ‘મૈં હૂં ના’ના સેટ પર ફારાહ ખાન કુંદર તેના પર ચંપલ ફેંકવાની હતી, કેમ કે એક ડાયલૉગ બોલવામાં તેણે ખાસ્સો સમય લગાવ્યો હતો. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને સુસ્મિતા સેન લીડ રોલમાં હતાં. આ ફિલ્મ ૨૦૦૪ની ૩૦ એપ્રિલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રિલીઝને ૧૯ વર્ષ થતાં એની સાથે જોડાયેલી બાબતને શૅર કરતાં ઝાયેદ ખાને કહ્યું કે ‘મારી હિન્દી એટલી સારી નહોતી. એમાં એક લાંબો ડાયલૉગ હતો. મારે એ ડાયલૉગ શાહરુખ ખાન, ફારાહ ખાન કુંદર અને કિરણ ખેરની સામે બોલવાનો હતો. એ ડાયલૉગની પ્રૅક્ટિસ મેં બે મહિના સુધી કરી હતી. જોકે સેટ પર જતાં મને એહસાસ થયો કે એ ડાયલૉગ હું બોલી નથી શકતો. ફારાહને તો મારા પર ચંપલ ફેંકવાની ઇચ્છા થઈ આવી હતી. શાહરુખે ખૂબ જ પ્રેમથી મને સાઇડમાં બોલાવ્યો હતો. તેમની પાસેથી મને ઘણુંબધું શીખવા મળ્યું હતું. તેમણે મને કહ્યું કે ‘હું જાણું છું કે આ સીન એવો છે કે તારે ચીસો પાડવાની છે, પરંતુ એને તું અંદરથી મહેસૂસ કર.’ મારા માટે એ યુરેકા મોમેન્ટ હતી. કાંઈક તો હતું જે મારા દિમાગમાં એ વખતે સ્ફુરિત થયું. હું એ પ્રક્રિયા સમજી ગયો. તેમણે મારી અંદરના ઍક્ટરને બહાર કાઢ્યો હતો.’