13 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન
ફારાહ ખાન બૉલીવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર હોવાની સાથે ડિરેક્ટર પણ છે. એ સિવાય ફારાહ તેની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ પર સતત નવા-નવા વ્લૉગ્સ શૅર કરીને ફૅન્સનું મનોરંજન કરતી રહે છે. આ વ્લૉગ્સમાં તે તેના રસોઇયા દિલીપ સાથે સેલિબ્રિટીઓના ઘરે પહોંચીને નવી-નવી વાનગી અજમાવે છે અને સાથે ઘણી મજેદાર વાતો પણ શૅર કરે છે. તાજેતરમાં ફારાહ સાન્યા મલ્હોત્રાના ઘરે પહોંચી હતી, જ્યાં તેણે ફિલ્મ-નિર્માતાઓની એક અજબ અંધશ્રદ્ધાનો ખુલાસો કર્યો હતો.
સાન્યા સાથેની વાતચીતમાં ફારાહે મજાકમાં એક અજીબ અંધશ્રદ્ધાનો ખુલાસો કર્યો અને કહ્યું હતું કે જે ફિલ્મોમાં હિરોઇન સેટ પર પડી જાય છે એ ફિલ્મો મોટા ભાગે હિટ થાય છે. ફારાહે વાતચીતમાં કાજોલ અને પ્રીતિ ઝિન્ટાનું ઉદાહરણ આપ્યું અને કહ્યું હતું કે કાજોલ ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગ દરમ્યાન ઘણી વખત પડી ગઈ હતી અને પ્રીતિ ઝિન્ટા પણ ‘કલ હો ના હો’ના એક સીન દરમ્યાન લપસી ગઈ હતી. ફારાહે આ બન્ને ફિલ્મોની કોરિયોગ્રાફી કરી હતી અને મજાકમાં કહ્યું હતું કે આ ઘટનાઓને કારણે ક્રૂમાં હવે આ અંધશ્રદ્ધા બની ગઈ છે અને એટલી દૃઢ છે કે હવે તે આ ‘લકી’ પરંપરાને જાળવી રાખવા માટે સેટ પર અભિનેત્રીઓને મજાકમાં ધક્કો મારે છે.