17 March, 2026 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફારાહ ખાન
‘ધુરંધર’ બાદ અક્ષય ખન્ના સતત ચર્ચામાં છે. આ સંજોગોમાં કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફારાહ ખાને તાજેતરમાં એક પૉડકાસ્ટમાં ૯૦ના દાયકામાં અક્ષય સાથે કામ કરવાનો અનુભવ શૅર કરતાં કહ્યું કે એ સમય દરમ્યાન અક્ષય ખન્ના સાથે કામ કરવું મારા માટે માથાના દુખાવા જેવો અનુભવ હતો. પોતાનો અનુભવ જણાવતાં ફારાહે કહ્યું હતું કે ‘૯૦ના દાયકામાં મેં અક્ષય ખન્ના સાથે ૨-૩ ફિલ્મોમાં કામ કર્યું હતું પણ મને બહુ મુશ્કેલી પડી હતી કારણ કે એ સમય દરમ્યાન તે સંપૂર્ણપણે અલગ વ્યક્તિ હતો. હા, તે ઇન્ટ્રોવર્ટ હતો, પરંતુ સેટ પર બહુ વિચિત્ર હતો. મને જ્યારે ખબર પડતી કે કોઈ ફિલ્મમાં અક્ષય ખન્ના કામ કરી રહ્યો છે ત્યારે હું કહી દેતી કે મારી પાસે તારીખો નથી. એ સમયે અક્ષય પોતે કહેતો કે મારા વાળ ખરી રહ્યા છે એટલે તે બહુ સ્ટ્રેસમાં છે અને ચીડિયો થઈ ગયો છે.’
ફારાહ ખાને પછી ફરહાન અખ્તરની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માં અક્ષય ખન્ના સાથે ફરી કામ કર્યું. આ ફિલ્મમાં અક્ષય સાથે કામ કર્યા પછી ફારાહના વિચારમાં બદલાવ આવ્યો. આ બદલાવ વિશે વાત કરતાં ફારાહે જણાવ્યું હતું કે ‘આ ફિલ્મ સુધી અક્ષય ઘણો બદલાઈ ગયો હતો. તેણે પોતાના વાળ ખરવાની વાત સ્વીકારી લીધી હતી અને પહેલાંની તુલનામાં વધુ શાંત અને રિલૅક્સ થઈ ગયો હતો. અક્ષય એક શાનદાર ડાન્સર પણ છે. જો કોઈ ‘કોઈ કહે કહતા રહે’ ગીત જુએ તો એમાં અક્ષય ખન્નાનો ડાન્સ આમિર ખાન અને સૈફ અલી ખાન કરતાં પણ વધુ સારો દેખાય છે.’