તીસ માર ખાંના શૂટિંગ વખતે અક્ષય કુમાર ટૅક્સીની જેમ ઉપયોગ કરતો હતો હેલિકૉપ્ટરનો

17 June, 2026 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ફારાહે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવીને ખુલાસો કર્યો

અક્ષય કુમારની ફાઇલ તસવીર

૨૦૧૦માં રિલીઝ થયેલી અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી ‘તીસ માર ખાં’ને ફારાહ ખાને ડિરેક્ટ કરી હતી. હાલમાં ફારાહે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સંભળાવીને ખુલાસો કર્યો કે આ ફિલ્મના શૂટિંગ માટે અક્ષય કુમાર રોજ હેલિકૉપ્ટર મારફત ફિલ્મના સેટ પર આવતો-જતો હતો.

હાલમાં ફારાહ ખાન, અક્ષય કુમાર, પ્રિયદર્શન અને રાજપાલ યાદવ ફિલ્મ ‘ભૂત બંગલા’ના પ્રમોશન દરમ્યાન સાથે બેઠાં હતાં. આ સમયે ફારાહે ‘તીસ માર ખાં’ના શૂટિંગ સાથે જોડાયેલો કિસ્સો જણાવતાં કહ્યું હતું કે ‘અમે માલશેજમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. દરરોજ સવારે ૮ વાગ્યાનો કૉલ-ટાઇમ રહેતો હતો. મુંબઈથી ત્યાં પહોંચવામાં લગભગ અઢી કલાકનો સમય લાગતો હોવાથી તમામ લોકો ત્યાં જ રોકાતા હતા પણ અક્ષય દર સાંજે શૂટિંગ પૂર્ણ થયા પછી ઘરે જતો અને બીજા દિવસે સવારે ૭:૪૫ વાગ્યે ફરી સેટ પર હાજર થઈ જતો હતો.’

ફારાહની આ વાત સાંભળીને રાજપાલ યાદવ પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો એટલે અક્ષય કુમારે પોતે જ ખુલાસો કરતાં કહ્યું હતું કે હું હેલિકૉપ્ટરથી આવતો-જતો હતો. આ મામલે ફારાહ ખાને મજાક કરવાના અંદાજમાં આગળ કહ્યું હતું કે ‘મારા જીવનમાં મેં પહેલી વાર કોઈ અભિનેતાને હેલિકૉપ્ટરનો ઉપયોગ ટૅક્સીની જેમ કરતાં જોયો હતો. જોકે તેની એક વાતની પ્રશંસા કરવી જ પડશે કે તે હંમેશાં સમયસર સેટ પર પહોંચતો હતો. આ રીતે તેણે મારા બધા પૈસા ખર્ચ કરી નાખ્યા.’

akshay kumar farah khan tees maar khan entertainment news bollywood bollywood news