09 August, 2025 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુલમિગુ શ્રી રજની મંદિર’
સુપરસ્ટાર રજનીકાન્તનાં સિનેમામાં ૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે કાર્તિક નામના એક ચાહકે તેમની ખાસ પૂજા કરી. તેણે મદુરાઈમાં ૫૫૦૦થી વધુ તસવીરો સાથે ‘અરુલમિગુ શ્રી રજની મંદિર’ને સજાવીને આ ઉજવણી કરી. તેણે પૂજા બાદ અભિષેક પણ કર્યો, જે તેની ગાઢ ભક્તિ અને સુપરસ્ટાર પ્રત્યેના પ્રેમને સ્પષ્ટ રીતે દર્શાવે છે.
થોડાં વર્ષો પહેલાં ખુલ્લા મૂકવામાં આવેલા આ મંદિરમાં રજનીકાન્તની ૩૦૦ કિલોની એક આકર્ષક મૂર્તિ સ્થાપિત છે જે અભિનેતાના ચાહકોના ગાઢ ભાવનાત્મક જોડાણ અને સુપરસ્ટારની પેઢીઓથી ચાલી આવતી અપાર લોકપ્રિયતાને દર્શાવે છે. રજનીકાન્તને દેવતા માનીને કાર્તિક અને તેના પરિવારે ગુરુવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતાની સુવર્ણ જયંતીની ઉજવણી માટે મંદિરમાં વિધિ અને સમારોહનું આયોજન કર્યું. ચાહકે મંદિરને રજનીકાન્ત અને તેમની ફિલ્મોની તસવીરોથી સજાવ્યું.
રજનીકાન્તે ૧૯૭૫માં પોતાની ફિલ્મી સફર શરૂ કરી હતી અને આજ સુધી કામ કરી રહ્યા છે. ૭૪ વર્ષની ઉંમરે સુપરસ્ટાર રજનીકાન્ત તામિલ સિનેમાના સૌથી મોટા સ્ટાર્સમાંના એક છે જેમણે આજની પેઢીને ટક્કર આપીને નવાં સીમાચિહ્નો હાંસલ કર્યાં છે.