26 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશાંત સિંહ રાજપૂત
સુશાંત સિંહ રાજપૂતે ૨૦૨૦ની ૧૪ જૂનના હંમેશાં માટે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેના પરિવારજનો અને કરોડો ફૅન્સને આજ સુધી તેના મૃત્યુનું સંપૂર્ણ સત્ય જાણવા મળ્યું નથી. જોકે હવે સુશાંત સિંહ રાજપૂતના ફૅન્સે તેની સાથે વાત કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ટૂલનો સહારો લીધો છે. જોકે સુશાંતનો પરિવાર ટેક્નૉલૉજીના આ રીતના ઉપયોગથી નાખુશ છે.
રિપોર્ટ પ્રમાણે આ ટૂલ ઇન્સ્ટાગ્રામના ડિસ્કવર AI સેક્શનમાં દેખાય છે જેમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે સુશાંત સિંહ રાજપૂતના જૂના ઇન્ટરવ્યુમાંથી તેની વાતચીતની શૈલી અને અવાજની નકલ કરી લીધી છે. ચાહકો ફક્ત સવાલ ટાઇપ કરે છે અને સામેથી સુશાંતના અવાજ અને અંદાજમાં જવાબ મળે છે. આનાથી ફૅન્સને એવું લાગે છે કે તે સુશાંત સિંહ રાજપૂત સાથે વાત કરી રહ્યા છે.
જોકે આનાથી AIની નૈતિકતા અને જોખમો વિશે ગંભીર સવાલ ઊભો થયો છે. મળતી માહિતી પ્રમાણે સુશાંતના પરિવારે કથિત રીતે આ AI ટૂલનો વિરોધ કર્યો છે અને ઇન્સ્ટાગ્રામની માલિકી ધરાવતી કંપની મેટાને પત્ર લખીને આ ‘અસંવેદનશીલ’ ટૂલને હટાવવાની વિનંતી કરી છે. મેટાએ હજી સુધી આ વિશે કોઈ નિર્ણય લીધો નથી. જોકે સુશાંતના પરિવારે હજી સુધી આ બાબતે જાહેરમાં કંઈ કહ્યું નથી.