મિડ-ડે જેવી મજા બીજે ક્યાંય નહીં : ફાલ્ગુની પાઠક

14 August, 2019 11:17 AM IST  |  મુંબઈ | સેજલ પટેલ

મિડ-ડે જેવી મજા બીજે ક્યાંય નહીં : ફાલ્ગુની પાઠક

ફાલ્ગુની પાઠક

સવાલઃ ‘મિડ-ડે’ દ્વારા આયોજિત કૃષ્ણ ઉત્સવની આ હૅટ-ટ્રિક છે, તમે એ માટે કેટલાં ઉત્સુક છો?

ફાલ્ગુની : હું કેટલી ઉત્સુક છું એમ? અરે, અમે તો રાહ જોઈએ છીએ, કેમ કે હવે તો હું જ્યાં જાઉં ત્યારે લોકો સામેથી પૂછે છે કે ‘મિડ-ડે’નો કાર્યક્રમ ક્યારે કરવાનાં છો? સાચું પૂછો તો ‘કૃષ્ણ ઉત્સવ’ આટલો ફેમસ થશે અને આટલીબધી લોકચાહના મેળવશે એવું તો મેં સપનામાંય વિચાર્યું નહોતું. ઇન ફૅક્ટ, પહેલી વાર જ્યારે ‘મિડ-ડે’એ ભજનસંધ્યા કરવા માટે  મને કૉન્ટૅક્ટ કર્યો ત્યારે હું બહુ ડાઉટફુલ હતી. ભજનનો કાર્યક્રમ ઑડિટોરિયમમાં થાય? અને એ પણ મુંબઈના સૌથી મોટા ઑડિટોરિયમમાં? વર્ષોથી અમે મંદિર, હવેલી અને મંડળોમાં કૃષ્ણનાં ભજનના કાર્યક્રમ કર્યા હતા, પણ એ બધા ફ્રીમાં હોય. કોઈ કૃષ્ણભક્તિ માટે પૈસા ખર્ચીને ઑડિટોરિયમમાં આવે એ જરા નવાઈભર્યું હતું, એમ છતાં ‘મિડ-ડે’ને એટલો વિશ્વાસ હતો કે અમારા વાચકોને તો જરૂર ગમશે અને ખરેખર એ દિવસે ઑડિટોરિયમમાં જે માહોલ રચાયેલો એ અભૂતપૂર્વ હતો. તમે માનશો નહીં, પણ થોડા સમય પહેલાં અમે બાબુલનાથ પાસે જમવા ગયેલા તો કેટલાક લોકો આવીને પૂછી ગયા કે ‘મિડ-ડે’નો કાર્યક્રમ ક્યારે કરવાનાં છો? ઇન ફૅક્ટ, તમે માનશો નહીં, હવે હું પણ ‘કૃષ્ણ ઉત્સવ’ની આતુરતાપૂર્વક રાહ જોઉં છું.

સવાલઃ કૃષ્ણ ઉત્સવની પહેલી બે સીઝનની તમારી કોઈ યાદગાર ક્ષણ કહેશો?

ફાલ્ગુનીઃ સૌથી પહેલા વર્ષનો અનુભવ તો શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. ખીચોખીચ ઑડિટોરિયમમાં લોકો પગથિયાં પર બેસી ગયેલા. જ્યારે ધૂન ચરમસીમા પર પહોંચી ત્યારે કેટલાંક બાળકો તો સ્ટેજ પર આવીને નાચવા લાગ્યાં હતાં. ખરેખર લોકોને મજા પડી ગઈ એ જોઈને બહુ સંતોષ થયેલો. બીજા વર્ષે કાર્યક્રમ પહેલાં ફરીથી એમ થયું કે શું ફરીથી ‘ મિડ-ડે’ના વાચકોને એટલો રસ રહેશે? એટલે કાર્યક્રમમાં અમે ઘણાં નવાં ભજન ઉમેર્યાં.  બીજા વર્ષે પણ ફરીથી એ જ પુનરાવર્તન થયું. લગભગ અડધોઅડધ કાર્યક્રમ લોકોએ પોતાની સીટ પર ઊભા થઈને નાચતાં-નાચતાં માણ્યો. ભજનસંધ્યાની એ જ તો મજા છે, જેમાં ગાનારની સાથે સાંભળનારા પણ તલ્લીન થઈ જાય.

સવાલઃ આ આપણું હૅટ‌-ટ્રિક વર્ષ છે અને પાછો કાર્યક્રમ સવારના સમયે છે તો એ માટે તમે કેવી તૈયારી કરી છે?

ફાલ્ગુનીઃ યસ, મને ખબર છે કે આ ત્રીજું વર્ષ છે અને એટલે જ મારા માટે પણ ચૅલેન્જ હતી કે દર્શકોને કંઈક નવું આપવું. અમે ઘણાં નવાં ભજન આ વખતે તૈયાર કર્યાં છે. જૂનાં અને પરંપરાગત ગીતો છે જે નવી અને સિમ્પલ સ્ટાઇલમાં અમે રજૂ કરીશું. સવારનો સમય છે તો શું થયું? કૃષ્ણભક્તિ સમય જોઈને નથી થતી.

સવાલઃ કયાં નવાં ભજન અમને સાંભળવા મળશે? એક-બે ગીતો કહેશો?

ફાલ્ગુનીઃ અહં... એમ પેપર ફોડી નથી નાખવું. થોડી સરપ્રાઇઝ રહેવા દો. મને વિશ્વાસ છે કે અમે જે નવી તૈયારી કરી છે એ લોકોને જરૂર ગમશે.

સવાલ : ભલે, તમે ખરેખર બે વર્ષથી અમારા વાચકોને જલસો કરાવ્યો છે એ જ અદ્ભુત છે. તમારો સૂર રેલાય અને શ્રોતાઓ મૅસ્મરાઇઝ થઈ જાય છે... કૃષ્ણભક્તિનો આવો પ્રચંડ પાવર તમારામાં ક્યાંથી આવે છે?

ફાલ્ગુની : બસ, કૃષ્ણની કૃપા છે. મનેય ખબર નથી. હું કંઈ જ વિશેષ નથી કરતી. બસ, દિલથી ગાઉં છું.

(અમને ખબર હતી કે તેમને ઉપવાસ છે અને મીઠું પણ નથી ખાતાં એટલે નાસ્તામાં ફળાહારની પ્લેટ આવે છે)

સવાલઃ શું તમે આખો શ્રાવણ મહિનો અને નવરાત્રિમાં પણ ઉપવાસ રાખો છો? શું એની પાછળ કોઈ ખાસ કારણ છે?

ફાલ્ગુનીઃ ના રે. આખો મહિનો ઉપવાસ રાખું તો ગાવાની તાકાત ક્યાંથી આવે? હા, શ્રાવણમાં સોમવાર અને શનિવાર બે વાર કરું છું અને એમાં મીઠું પણ નથી લેતી. બસ, શ્રદ્ધા છે એટલે વર્ષોથી એમ જ ચાલે છે. હા, માતાજીમાં શ્રદ્ધા ખૂબ છે, પણ એ માટે કોઈ ઉપવાસ નથી કરતી.

સવાલઃ તમારી સાથે કૃષ્ણ ઉત્સવમાં સાથીકલાકારોની ટીમમાં કોણ-કોણ હશે?

ફાલ્ગુનીઃ છેલ્લાં બે વર્ષથી આ કાર્યક્રમનો હિસ્સો હતા એ જ મારી ‘તાથૈયા’ ટીમના સાજિંદાઓ છે. ગાયકોમાં ચેતન ગઢવી અને તુષાર ત્રિવેદી તો ખરા જ. નવરાત્રિના ગરબામાં પણ મારા આ જ સાજિંદાઓની ટીમ સાથે હું કામ કરું છું. ‘તાથૈયા’ ગ્રુપમાં વર્ષોથી અમે સાથે કાર્યક્રમો કરીએ છીએ એટલે એક ફૅમિલી જેવું બની ગયું છે.

સવાલઃ તમારી નવરાત્રિ ક્યાં છે એ જાણવા મુંબઈગરાઓ હંમેશાં ઉત્સુક હોય છે, તો આ વખતે શું પ્લાનિંગ છે? ક્યાંના ગરબારસિકોને ઝુમાવવાનાં છો?

ફાલ્ગુનીઃ આ વખતે કોઈ સસ્પેન્સ નથી. છેલ્લાં બે વર્ષની જેમ બોરીવલીમાં જ છે. ચીકુવાડીનું સ્વ. શ્રી પ્રમોદ મહાજન સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ જે બોરીવલીનું સૌથી મોટું ગ્રાઉન્ડ છે ત્યાં જ આ વર્ષે હું નવરાત્રિ કરવાની છું.

સવાલઃ શું આજકાલમાં તમે કોઈ ઇન્ડિપેન્ડન્ટ આલબમ લાવવાનું વિચારી રહ્યાં છો?

ફાલ્ગુનીઃ ના. હમણાં તો કોઈ વિચાર નથી. કેમ કે સીડી કે કૅસેટ વેચવાનો હવે જમાનો રહ્યો નથી. એકસાથે સાત-આઠ ગીતોનું આલબમ હવે આઉટ ઑફ ડેટ છે. કદાચ કોઈ સારી ઑપર્ચ્યુનિટી મળે તો એકાદ ઑડિયો-વિડિયો ટ્રૅક જરૂર બનાવીશ, પણ એનું પણ નજીકના ભવિષ્યમાં કોઈ પ્લાનિંગ નથી.

સવાલઃ તમારા સૉફ્ટ, પાતળા અને મીઠા સ્વરની જાળવણી માટે તમે ખાસ શું કરો છો?

ફાલ્ગુનીઃ કંઈ જ નહીં. ખાવાપીવામાં વિશેષ કાળજી રાખવાની કે એવું પણ કંઈ જ નહીં. હા, બૅક ટુ બૅક કાર્યક્રમો હોય કે નવરાત્રિ ચાલતી હોય ત્યારે ગળાને થોડો રેસ્ટ આપું અને બોલવાનું ઓછું રાખું.

સવાલઃ છેલ્લા લગભગ બે દાયકાથી તમને નવરાત્રિના સ્ટેજ પર જોઈએ તો તમારા લુકમાં જરાય ડિફરન્સ વર્તાતો નથી. તમે ફિટનેસ અને બ્યુટીની કેવી કાળજી રાખો છો?

ફાલ્ગુનીઃ બ્યુટી માટે મેં કદી કશું કર્યું નથી. મેકઅપ પણ માત્ર નવરાત્રિના સ્ટેજ પર ચડવાનું હોય ત્યારે જ. બાકી બીજા કોઈ કાર્યક્રમમાં નહીં. અરે, કદી ફેશ્યલ કે આઇબ્રો સુધ્ધાં મેં નથી કરાવ્યાં અને હા, ફિટનેસ અને ફાલ્ગુની? એ બે મૅચ થાય એવા શબ્દો જ નથી. મારા માટે ફૂડ અને ફાલ્ગુની એ પ્રાસ જ બંધ બેસે. મેં ક્યારેય ડાયટિંગ કર્યું નથી, મારાથી થાય જ નહીં. હું ખાવાની જબરી શોખીન છું. ભૂખ્યાપેટે ભજન ન થાય, ખાઈપીને જ ગવાય.

સવાલઃ અચ્છા? તો તમને શું સૌથી વધુ ભાવે?

ફાલ્ગુનીઃ આમ તો બધું જ ભાવે, પણ ચાટનો ચટકો જરા વધારે.

સવાલઃ ક્યાંની ચાટ બહુ ભાવે?

ફાલ્ગુનીઃ અરે, ચાટ એટલે ચાટ. એ ક્યાંયની પણ હોય. મને કોઈ કહે કે ફલાણી જગ્યાએ બહુ સરસ ચાટ મળે છે તો હું ગમે ત્યાં ઊભી રહીને ચાટ ખાવા પહોંચી જાઉં.

‍સવાલઃ તમે નૉસ્ટાલ્જિક થાઓ તો કયાં ગીતો સાંભળવાનું પસંદ કરો?

ફાલ્ગુનીઃ હું નૉસ્ટાલ્જિક હોઉં ત્યારે જ નહીં, એમ પણ ગીતો સાંભળતી રહું છું. ખાસ કરીને મને અમુક ગીતો સાંભળતી વખતે કેટલીક મેમરીઝ સંકળાયેલી છે એ યાદ કરું તો બહુ સારું લાગે. પપ્પા આ ગીત ગાતા, મમ્મી મને ફલાણું ગીત ગાઈને સંભળાવતી, બહેનો સાથે હોઈએ ત્યારે અમે ફલાણું ગીત બહુ ગાતાં એમ જેવો મૂડ હોય એવી યાદોવાળાં ગીત સાંભળું. ઇન જનરલ પૂછો તો મને જૂનાં ગીતો વધુ ગમે. મોહમ્મદ રફી, કિશોરકુમાર અને આશા ભોસલે તથા લતા મંગેશકર મારાં ફેવરિટ. અમે ટ્રાવેલ કરતાં હોઈએ ત્યારે આ ચાર સિંગર્સનાં ગીતો વાગતાં જ હોય.

સવાલઃ તમે ટ્રાવેલિંગનાં પણ શોખીન છો, ખરું?

ફાલ્ગુનીઃ યસ, મને લૉન્ગ-ડ્રાઇવ પર જવાનું બહુ ગમે. હું મુંબઈથી અમદાવાદ જાઉં ત્યારે પણ કાર ડ્રાઇવ કરીને જ જવાનું પસંદ કરું. બસ, એ લાંબી જર્નીમાં ગીતો વાગતાં હોય અને ખૂબબધા નાસ્તા સાથે રાખ્યા હોય.

- તસવીરો : નિમેશ દવે

falguni pathak bollywood news