સોશ્યલ મીડિયામાં ફરી રહ્યું છે આમિરને ગુરુ નાનક તરીકે દર્શાવતું નકલી પોસ્ટર

01 May, 2025 06:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટરના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન આપીને ખુલાસો કર્યો છે કે તેનો આવા પ્રોજેક્ટ સાથે કોઈ સંબંધ નથી.

સોશ્યલ મીડિયા પર આમિર ખાનને ગુરુ નાનકના ગેટઅપમાં દર્શાવતું પોસ્ટર

હાલમાં સોશ્યલ મીડિયા પર આમિર ખાનને ગુરુ નાનકના ગેટઅપમાં દર્શાવતું એક પોસ્ટર વાઇરલ થયું છે. આ પોસ્ટર સાથે કહેવામાં આવ્યું છે કે આમિર ખાન આગામી ફિલ્મમાં ગુરુ નાનકનો રોલ ભજવવાનો છે. જોકે આ મામલામાં પ્રીતપાલ સિંહ ‍બલિયાવાલ નામની એક વ્યક્તિએ શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આ કૃત્યને સિખ સમુદાયની ધાર્મિક ભાવનાને ભડકાવનાર અને ધાર્મિક સદ્ભાવને બગાડવાનું કાવતરું ગણાવાયું છે.

આ વિવાદને વધતો જોઈને આખરે આમિરના પ્રવક્તાએ સત્તાવાર નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે કે ‘આમિર ખાનને ગુરુ નાનકના ગેટઅપમાં દર્શાવતું પોસ્ટર નકલી અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી જનરેટ કરવામાં આવ્યું છે. આમિર ખાન આવા કોઈ પ્રોજેક્ટનો હિસ્સો નથી. તેઓ ગુરુ નાનક પ્રત્યે સન્માન ધરાવે છે અને ક્યારેય અપમાનજનક વસ્તુનો ભાગ નહીં બને. મહેરબાની કરીને નકલી સમાચારની જાળમાં ફસાવાથી બચો.’

રિપોર્ટ પ્રમાણે પ્રીતપાલ સિંહ બલિયાવાલે પંજાબ પોલીસ, સાઇબર સેલ અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓને આ ઘટના માટે જવાબદાર લોકોને શક્ય એટલા ઝડપથી પકડી લેવાની અને તેમના પર કાયદાકીય પગલાં લેવાની વિનંતી કરી છે. તેમણે આમિર ખાન પ્રોડક્શન્સને પણ આ વાતની જાહેરમાં ટીકા કરવાનું અને એમાં એ સામેલ ન હોવાની સ્પષ્ટતા કરવાનું જણાવ્યું હતું.

aamir khan social media ai artificial intelligence viral videos bollywood buzz bollywood news bollywood entertainment news