29 May, 2023 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સૅનન
ક્રિતી સૅનને જણાવ્યું છે કે દરેક પેઢીએ અને ખાસ કરીને બાળકોએ તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ જોવી જોઈએ. આ ફિલ્મ ૧૬ જૂને થિયેટરમાં હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને બાળકોને દેખાડવા વિશે ક્રિતી સૅનને કહ્યું કે ‘આ ખૂબ સ્પેશ્યલ ફિલ્મ છે અને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી એટલે હું નસીબદાર છું. આ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસનો સૌથી અગત્યનો ભાગ છે. દરેક પેઢીએ ખાસ કરીને બાળકોએ આ ફિલ્મ જરૂર જોવી જોઈએ. બાળપણમાં આપણી મમ્મીઓ અને દાદી-નાની પાસેથી રામાયણ અને મહાભારતની કથા સાંભળતા આવ્યા છીએ. જોકે મારું માનવું છે કે વિઝન મેમરીની આજની પેઢી પર અલગ છાપ હશે. ઘણા સમયથી આપણે આવી સ્ટોરી મોટી સ્ક્રીન પર નહોતી જોઈ. આ પહેલી વખત 3Dમાં જોવા મળશે. ફિલ્મની પાવનતાને ધ્યાનમાં રાખીને એને બનાવવામાં આવી છે અને એ બાળકો તથા આજના યુવાનોને જોડશે.’
ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલાં જ રિલીઝ થયું છે. એ વિશે ક્રિતીએ કહ્યું કે ‘આ ફિલ્મના ટ્રેલરને અને પહેલા ગીત ‘જય શ્રી રામ’ને લોકોનો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. ફિલ્મનું બીજું ગીત ‘રામ સિયા રામ’ આજે રિલીઝ કરવામાં આવશે. હું એ ટ્રૅકની પાછળ ઘેલી બની છું. લોકો એ ગીતને શું પ્રતિક્રિયા આપે છે એ જાણવા માટે આતુર છું.’
ક્રિતી સૅનનનું માનવુ છે કે સીતાનો રોલ કરવાની તક ઍક્ટરની લાઇફમાં વારંવાર નથી આવતી. ક્રિતી ‘આદિપુરુષ’માં સીતાના રોલમાં જોવા મળવાની છે. તેની સાથે પ્રભાસ રામના રોલમાં, લંકેશના રોલમાં સૈફ અલી ખાન અને લક્ષ્મણના રોલમાં સની સિંહ દેખાશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. સીતાની ભૂમિકા વિશે ક્રિતીએ કહ્યું કે ‘આ ખરેખર પડકારજનક રોલ હતો અને સીતાજીનો રોલ ભજવતી વખતે અતિશય જવાબદારી હતી કે એને ન્યાય આપી શકું. સીતા જેવું પાત્ર ભજવવાની તક ઍક્ટરની લાઇફમાં વારંવાર નથી આવતી.’