ઇમોશનલ ઈશા ગુપ્તા

20 August, 2012 05:51 AM IST  | 

ઇમોશનલ ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા ‘રાઝ ૩’માં કામ કરી રહી છે. આ થ્રી-ડાઇમેન્શનલ હૉરર ફિલ્મમાં અનેક મોટાં વીજળીથી ચાલતાં ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલમાં આ ફિલ્મના સેટ પર એક ટેક્નિશ્યનને વીજળીનો આંચકો લાગ્યો હતો. આ ઘટનામાં પહેલાં તો ઈશાને લાગ્યું કે ટેક્નિશ્યન તેની સાથે મજાક કરી રહ્યો છે, પણ તેને જ્યારે ખબર પડી કે સાચે જ વીજળીનો આંચકો લાગ્યો છે ત્યારે તેને બહુ માનસિક આઘાત લાગ્યો હતો.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘ફિલ્મના સેટ પર ટેક્નિશ્યન ક્રિશને વીજળીનો આંચકો લાગતાં તેને ઈજા પહોંચી હતી. પહેલાં તો લાગ્યું કે તે મજાક કરી રહ્યો છે, પણ જ્યારે તેનું નામ લેવા છતાં તેણે પ્રતિભાવ ન આપતાં પરિસ્થિતિની ગંભીરતાની ખબર પડી ત્યારે તાબડતોબ ડૉક્ટરને બોલાવવા પડ્યા અને પછી ટેક્નિશ્યનને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ટેક્નિશ્યનની આ હાલત જોઈને ઈશા એકદમ ગભરાઈ ગઈ હતી.’

ડબલ ટ્રબલ

‘રાઝ ૩’ના સેટ પર ઈશાએ પોતે પણ આંચકાભરી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મના એક દૃશ્યમાં ઈશાએ ૫૦ ફૂટ ઊંચા છજાની કિનારીએ ઊભાં રહેવાનું હતું. ઈશાને આ દૃશ્યના શૂટિંગમાં બહુ બીક લાગી રહી હોવા છતાં ડિરેક્ટર વિક્રમ ભટ્ટે બૉડી-ડબલના ઉપયોગની ના પાડી દીધી હતી. ડિરેક્ટરના આગ્રહને કારણે ઈશાએ આ દૃશ્ય આખરે પોતે જ ભજવવું પડ્યું હતું. આ વિશે વાત કરતાં ઈશા કહે છે, ‘મને ઊંચાઈનો ડર લાગે છે અને આ શૉટ માટે મારે ૫૦ ફૂટ ઊંચા છજા પર ઊભાં રહેવાનું હતું. આ દૃશ્યનું શૂટ રાત્રે હતું જેના કારણે મારો ડર વધી ગયો હતો. જોકે પછી બધું સહીસલામત પાર પડી ગયું હતું.’