04 May, 2026 12:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનેલિયા દેશમુખ તાજેતરમાં પોતાના પરંપરાગત લુકને કારણે ફરી ચર્ચામાં આવી છે
અભિનેત્રી જેનેલિયા દેશમુખ તાજેતરમાં પોતાના પરંપરાગત લુકને કારણે ફરી ચર્ચામાં આવી છે. જેનેલિયાએ સોશ્યલ મીડિયામાં તેની ખાસ તસવીરો શૅર કરી છે જેમાં તેણે સાડી સાથે પહેરેલી જ્વેલરીએ ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરમાં જેનેલિયાએ તેના મંગલસૂત્રને સ્ટાઇલિશ રીતે બ્રેસલેટ તરીકે પહેર્યું, જે હવે નવો ફૅશન-ટ્રેન્ડ બની રહ્યો છે. જેનેલિયાના આ બ્રેસલેટમાં પતિ રિતેશનો ‘R’ હાઇલાઇટ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગળામાં પહેરાતું મંગલસૂત્ર તેણે હાથમાં બ્રેસલેટ તરીકે સ્ટાઇલ કરીને એક યુનિક અને મૉડર્ન ટ્વિસ્ટ આપ્યો છે.
અર્ચના પૂરણ સિંહ હાલમાં મઢ આઇલૅન્ડમાં અંદાજે ૭૦ કરોડ રૂપિયાના ભવ્ય બંગલામાં રહે છે. હવે અર્ચના પૂરણ સિંહ મઢ આઇલૅન્ડમાં જ અંદાજે ૫૦ કરોડ રૂપિયાનો બીજો બંગલો ખરીદવાની તૈયારીમાં છે. દીકરા આર્યમાનના લેટેસ્ટ વ્લૉગમાં અર્ચનાએ કન્ફર્મ કર્યું છે કે તે એક નવો બંગલો લેવાની તૈયારીમાં છે. અર્ચનાએ વ્લૉગમાં જણાવ્યું હતું કે તે પ્રૉપર્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહી છે અને તેણે જે બંગલો જોયો છે એમાં ભવ્ય ગાર્ડન, સ્વિમિંગ-પૂલ અને અન્ય તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. અર્ચનાએ વ્લૉગમાં કહ્યું હતું કે આ બંગલો તેમના બજેટથી બહાર છે છતાં તે એને ખરીદવા માગે છે.
૨૦૧૬માં રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ને જબરદસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મમાં લીડ રોલ કરીને ફિલ્મોમાં ડેબ્યુ કરનાર રિન્કુ રાજગુરુ રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. આ ફિલ્મનાં લગભગ ૧૦ વર્ષ પછી હાલમાં રિન્કુ એક ઇવેન્ટમાં નવા લુકમાં જોવા મળી હતી. નાના વાળ અને ટોન્ડ ચહેરાવાળો રિન્કુનો આ નવો લુક જોઈને તેના ફૅન્સ પહેલાં તો તેને ઓળખી શક્યા નહોતા. રિન્કુના ઘણા ફૅન્સે તેના નવા લુકની પ્રશંસા કરી હતી. જોકે કેટલાક યુઝર્સને આ નવો અંદાજ ખાસ ગમ્યો નહોતો.
સલમાન ખાન ઘણી વખત વીક-એન્ડ પોતાના ફાર્મહાઉસ પર વિતાવે છે. ગઈ કાલે સલમાને ફરી એક વાર અહીં રજા માણતાં કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તે બ્લૅક કૅપ પહેરેલો જોવા મળે છે. સલમાને આ પોસ્ટ સાથે ફૅન્સને જીવનમાં નિર્ણય લેવાની અને સ્પષ્ટતા રાખવાના મહત્ત્વ વિશે વિચારપ્રેરક સંદેશ આપ્યો હતો. સલમાને પોસ્ટમાં લખ્યું હતું કે ‘વિચાર કરું છું... આ કોઈ પણ ફીલ્ડ માટે છે. પહેલાં વિચારો, સમજો, સ્પષ્ટ થાઓ, નિર્ણય લો અને બધું ભૂલીને આગળ વધો. ટોપીથી યાદ આવ્યું કે ટોપી પોતે પહેરો... કોઈને પહેરાવશો નહીં અને કોઈને તમને પહેરાવવા પણ ન દો.’
રશ્મિકા મંદાનાની નાની બહેન સિમરને હાલમાં ૧૩મી વર્ષગાંઠ ઊજવી હતી. રશ્મિકા પોતાની નાની બહેનને બહુ પ્રેમ કરે છે અને એક માતાની જેમ જ તેની સંભાળ રાખે છે. રશ્મિકા અને સિમરન વચ્ચે અંદાજે ૧૭ વર્ષનો તફાવત છે એટલે જ્યારે રશ્મિકા પોતે ૩૦ વર્ષની થઈ છે ત્યારે તેની નાની બહેન ટીનેજમાં પ્રવેશી છે. રશ્મિકાએ બહેનને સોશ્યલ મીડિયામાં શુભેચ્છા આપતાં કહ્યું હતું કે ‘હૅપીએસ્ટ ૧૩ મારી સ્વીટ્સ! ૧૩ વર્ષની ઉંમર ખૂબ મજાની હોય છે તો એનો પૂરો આનંદ માણજે. હું તને ખૂબ પ્રેમ કરું છું!’ તેમના ફૅન્સે પણ કમેન્ટ્સમાં સિમરનને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
વિજય દેવરકોંડાએ હાલમાં બિગ બજેટ ઍક્શન અને રોમૅન્ટિક ફિલ્મ સાઇન કરી છે. આ પ્રોજેક્ટનું નામ તો નક્કી નથી કરવામાં આવ્યું પણ એમાં લીડ ઍક્ટ્રેસ તરીકે ક્રિતી સૅનનના નામની વિચારણા કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોજેક્ટ મોટા પાયે બનાવવામાં આવી રહ્યો છે જેમાં અનેક આંતરરાષ્ટ્રીય ટેક્નિશ્યન કામ કરી રહ્યા છે. આ ફિલ્મની વાર્તા ઇન્ટેન્સ લવસ્ટોરી છે એવી ચર્ચા છે.