Entertainment Updates: ધનુષ ફરી કામ કરશે આનંદ એલ. રાયની ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મમાં

08 January, 2026 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Entertainment Updates: રશ્મિકા મંદાનાની ઇટલીના અમાલ્ફીમાં મિત્રો સાથે મસ્તી; નિમ્રત કૌરે કર્યાં મહાકાલેશ્વરનાં દર્શન અને વધુ સમાચાર

ધનુષ અને ડિરેક્ટર આનંદ એલ. રાયની ફાઇલ તસવીર

ધનુષ અને ડિરેક્ટર આનંદ એલ. રાયની જોડી હંમેશાં ફૅન્સ માટે ખાસ રહી છે. તેમણે સાથે મળીને ‘રાંઝણા’, ‘અતરંગી રે’ અને ‘તેરે ઇશ્ક મેં’ જેવી ફિલ્મો આપી છે. હવે રિપોર્ટ છે કે આ જોડી પોતાની ચોથી ફિલ્મમાં ફરી એક વાર સાથે કામ કરવા જઈ રહી છે. આ એક પિરિયડ ફિલ્મ હશે જે ઍકશન અને રોમૅન્સથી ભરપૂર હશે. મળતી માહિતી પ્રમાણે જો આ પ્રોજેક્ટ કન્ફર્મ થશે તો તે બૉલીવુડની બિગ બજેટ ફિલ્મ હશે. ધનુષ અને આનંદ એલ. રાયની ફિલ્મો મોટા ભાગે રોમૅન્ટિક ડ્રામા છે અને તેઓ પહેલી વખત પિરિયડ ફિલ્મમાં સાથે જોવા મળશે.

૫૧ વર્ષના હૃતિક રોશને કરાવ્યું સુપરહૉટ ફોટોસેશન

હૃતિક રોશન ૫૧ વર્ષનો થઈ ગયો છે છતાં કડક ડિસિપ્લિનને કારણે આ ઉંમરે પણ તેની ફિટનેસ એવી જ મજબૂત છે. હૃતિક દરેક વખતે પોતાના લુકથી ફૅન્સને ચોંકાવી દે છે. નવા વર્ષે હૃતિકે પોતાનું એક જબરદસ્ત ફોટોશૂટ સોશ્યલ મીડિયામાં શૅર કર્યું છે જેમાં તે પોતાના 8-પૅક ઍબ્સ ફ્લૉન્ટ કરતો નજરે પડે છે.

જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ મારી મંકી બિપાશા બાસુને : પતિ કરણ સિંહ ગ્રોવરે પત્ની માટે પ્રેમભરી બર્થ-ડે વિશ પોસ્ટ કરી

ગઈ કાલે બિપાશા બાસુની ૪૭મી વર્ષગાંઠ હતી. આ દિવસે બિપાશાના પતિ કરણ સિંહ ગ્રોવરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બિપાશાની દીકરી દેવી સાથેની અનસીન તસવીર શૅર કરીને તેને બર્થ-ડેની શુભેચ્છા આપી છે અને તેને પ્રેમભરી નોંધ લખી છે. પોતાની નોંધમાં કરણે તેને પ્રેમથી ‘મંકી’ કહીને લખ્યું છે કે ‘દુનિયામાં મારી સૌથી પ્રિય, મારી સૌથી સારી મિત્ર, દુનિયાની સૌથી ધીરજવાળી વ્યક્તિ, સૌથી વધુ પ્રેમ કરનારી, દુનિયાની સૌથી સુંદર છોકરી, મારી આખી દુનિયા અને મારી મંકી બિપાશા બાસુને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. દરેક પસાર થતા વર્ષ સાથે તું વધુ ચમકતી રહે. હું તને ખૂબ પ્રેમ કરું છું’ બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે ૨૦૧૬માં લગ્ન કર્યાં હતાં. લગ્નનાં ૬ વર્ષ બાદ ૨૦૨૨માં બન્ને દીકરી દેવીનાં પેરન્ટ્સ બન્યાં હતાં. બિપાશા ઘણી વાર પોતાની દીકરીની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરતી રહે છે જેને ફૅન્સ ખૂબ પસંદ કરે છે.

રશ્મિકા મંદાનાની ઇટલીના અમાલ્ફીમાં મિત્રો સાથે મસ્તી

રશ્મિકા મંદાનાએ નવા વર્ષની શરૂઆત પોતાના મિત્રો સાથે ઇટલીમાં પ્રવાસ કરીને કરી છે. આ ટ્રિપ દરમ્યાન રશ્મિકા અને તેના મિત્રોએ ખૂબ જ મસ્તી કરી હતી. તાજેતરમાં રશ્મિકાએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે બહુ ખુશ દેખાઈ રહી છે. આ ટ્રિપ દરમ્યાન તેણે પોતાના મિત્રો સાથે દિલ ખોલીને એન્જૉય કર્યું. રશ્મિકાએ આ તસવીર સાથે કૅપ્શન લખી, ‘તમને ખબર છે કે અમે અમાલ્ફી નામની એક ખૂબ જ સુંદર જગ્યાએ ગયા હતા અને એ જગ્યા એટલી સુંદર હતી કે પૂછશો નહીં. બહુ જ સરસ હતી. તડકો, લીંબુનાં ઝાડ. અમે અમારા સૌથી પ્રિય મિત્રો સાથે ગયા હતા. એ દિવસો યાદગાર પળોથી ભરેલા હતા, પ્રેમ અને હાસ્યથી ભરપૂર... અને અમારું પેટ ચીઝ અને તિરામિસુથી ભરેલું હતું.’

નિમ્રત કૌરે કર્યાં મહાકાલેશ્વરનાં દર્શન

તાજેતરમાં નિમ્રત કૌરે ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યાં હતાં અને ત્યાં આરતી કરી હતી. મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-અર્ચના કરીને તેણે આ અનુભવને યાદગાર ગણાવ્યો. મંદિરમાં આરતી દરમ્યાન પણ નિમ્રત ભારે ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી સતત આંસુ વહેતાં જોવા મળ્યાં. આ આરતી પૂર્ણ થયા બાદ નિમ્રત કૌરે કહ્યું, ‘મને પહેલી વખત મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. નવા વર્ષની આનાથી સારી શરૂઆત થઈ જ ન શકે. હું ખૂબ જ ભાવુક અને અભિભૂત થવાની લાગણી અનુભવું છું.’

પૈચાન કૌન?

હાલમાં નીતુ કપૂરે પોતાની દીકરી રિદ્ધિમા કપૂર સાહની સાથેની જૂની તસવીર સૌશ્યલ મીડિયામાં શૅર કરી છે. આ તસવીરમાં નીતુએ નાની રિદ્ધિમાને પ્રેમથી ખોળામાં પકડીને રાખી છે અને રિદ્ધિમા કૅમેરા તરફ હસતી જોવા મળે છે.

વિકી કૌશલ અને કૅટરિના કૈફે સોશ્યલ મીડિયામાં દીકરાના નામની જાહેરાત કરી : અમારી પ્રાર્થનાઓનો જવાબ - વિહાન કૌશલ

કૅટરિના કૈફ અને વિકી કૌશલે સોશ્યલ મીડિયામાં પોતાના દીકરાના નામનો ખુલાસો કર્યો છે. વિકી અને કૅટરિનાએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેમના દીકરાનો નાનકડો હાથ પકડતી કૅટરિના અને વિકીની ક્યુટ તસવીર છે. તેમણે આ પોસ્ટમાં કૅપ્શન લખી છે, ‘અમારી રોશનીનું કિરણ... વિહાન કૌશલ. અમારી પ્રાર્થનાઓનો જવાબ. જિંદગી ખૂબ સુંદર છે. અમારી દુનિયા તરત બદલાઈ ગઈ છે. આભારની લાગણી વ્યક્ત કરવા માટે શબ્દો નથી.’

ક્યાંથી આવ્યું નામ વિહાન?

`ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક`માં વિકી કૌશલના પાત્રનું નામ હતું વિહાન સિંહ શેરગિલ.

entertainment news bollywood bollywood news hrithik roshan karan singh grover rashmika mandanna nimrat kaur vicky kaushal dhanush aanand l rai ranbir kapoor neetu singh neetu kapoor