પિતાની બીમારીને કારણે એ. આર. રહમાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો

12 May, 2020 08:25 PM IST  |  Mumbai Desk | Ashu Patel

પિતાની બીમારીને કારણે એ. આર. રહમાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો

એ.આર. રહેમાન

અકલ્પ્ય સફળતા મેળવનારા સંગીતકાર એ. આર. રહમાનના પિતા આર. કે. શેખર મલયાલમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર હતા. તેઓ અરેન્જર અને કન્ડક્ટર પણ હતા. તેઓ હાર્મોનિયમ અને પિયાનો પણ ખૂબ સારી રીતે વગાડી શકતા હતા. રહમાનને બાળપણથી જ સંગીત પ્રત્યે લગાવ લાગ્યો હતો. તે પોતાની રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને કી-બોર્ડ વગાડવા બેસી જતો હતો અથવા તો સતત કલાકો સુધી હાર્મોનિયમ વગાડ્યા કરતો હતો. 

રહમાનના પિતા ૪૦ વર્ષના થયા ત્યારે તેમને પેટની બીમારી થઈ હતી. એ બીમારીનું ચોક્કસ નિદાન ડૉક્ટરો કરી ન શક્યા અને એ અસાધ્ય બીમારી તેમને સતત હેરાન કરતી રહી. તેમના પર અનેક ઑપરેશન થયાં, પણ તેમની તબિયત સુધરતી નહોતી. તેમને ચોક્કસ કઈ બીમારી હતી એની છેલ્લે સુધી ડૉક્ટરોને ખબર ન પડી અને માત્ર ૪૩ વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું.

રહમાનના પિતા નાસ્તિક હતા, પરંતુ રહમાનની માતા ખૂબ શ્રદ્ધાળુ હતી. તેણે અનેક ધર્મસ્થળોએ જઈને માનતા માની હતી. જોકે રહેમાનના પિતા કહેતા કે આનાથી કોઈ ફાયદો ન થાય. રહમાનની માતા માનતી હતી કે રહમાનના પિતાને શ્રદ્ધા નહોતી એટલે તેમના પર એ માનતાઓની અસર નહોતી થઈ. રહમાન પણ આવું માનતા હતા!

તેમણે પોતે આ વાત ‘એ. આર. રહમાન : ધ સ્પિરિટ ઑફ મ્યુઝિક’ નામના પુસ્તકમાં લેખિકા નુસરત મુન્ની કબીરને કહી હતી. એ સિવાય પણ ઘણી મુલાકાતોમાં તેમણે આ વાત કહી હતી. જોકે એ પુસ્તકમાં તેમણે આ મુદ્દે વિગતવાર વાત કહી હતી.

રહમાનના પિતા ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા એ સમય દરમ્યાન રહમાનની માતાની મુલાકાત સૂફી સંત કરીમુલ્લા શાહ કાદરી સાથે થઈ અને રહમાનના આખા પરિવારને એ સૂફી સંત પર શ્રદ્ધા બેસી ગઈ હતી. તેઓ રહમાનના કુટુંબને માર્ગદર્શન આપવા લાગ્યા હતા.

ડૉક્ટર્સની ખૂબ મહેનત અને અનેક ઑપરેશન પછી પણ રહમાનના પિતા બચી ન શક્યા. એ સમયમાં સાઉથની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કેટલાય લોકો એવું માનતા હતા કે રહમાનના પિતા આર. કે. શેખર પર તેમના હરીફોએ કાળા જાદુનો પ્રયોગ કર્યો હતો. રહમાનના પિતાની સ્વતંત્ર સંગીતકાર તરીકે ‘ચોટ્ટાનીકરાઅમ્મા’ નામની ફિલ્મ રિલીઝ થઈ એ જ દિવસે તેમનું મૃત્યુ થયું હતું. રહમાનના પિતા શેખરના મ્યુઝિકને કારણે એ ફિલ્મ મીડિયામાં છવાયેલી રહી હતી. 

રહમાનની માતાને અને પછી રહમાનને પણ પેલા સૂફી સંતમાં શ્રદ્ધા બેઠી એને કારણે રહમાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લીધો હતો.

ashu patel bollywood bollywood news bollywood gossips