28 December, 2025 01:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રોડ્યુસર કુમાર મંગત પાઠક
અક્ષય ખન્ના હાલમાં ‘દૃશ્યમ 3’માં કામ ન કરવાના તેના નિર્ણયને કારણે ચર્ચામાં છે. ‘દૃશ્યમ 3’ના પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે હવે અક્ષય ખન્ના સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને તેની સામે લીગલ ઍક્શન લેવાની વાત પણ કહી છે.
કુમાર મંગત પાઠકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અમે અક્ષય ખન્ના સાથે ઍગ્રીમેન્ટ સાઇન કર્યું હતું. તેની ફી પણ તેણે ઘણી વાર કરેલી રિક્વેસ્ટ પછી નક્કી કરવામાં આવી હતી. અક્ષયે શરત મૂકી હતી કે તે ફિલ્મમાં વિગ પહેરવા માગે છે પણ ડિરેક્ટર અભિષેક પાઠકે તેને સમજાવ્યું કે ‘દૃશ્યમ 3’ એક સીક્વલ છે અને વિગ પહેરવાથી ફિલ્મની કન્ટિન્યુટીમાં ખલેલ પડશે. આ વાત અક્ષયે સમજીને સ્વીકારી પણ લીધી હતી. એ પછી તેના કેટલાક નજીકના લોકોએ તેને મગજમાં ભરાવ્યું કે વિગ પહેરવાથી તે વધુ સ્માર્ટ લાગશે. ત્યાર બાદ અક્ષયે ફરી એ જ માગણી કરી. અભિષેક આ મુદ્દે વાતચીત કરવા તૈયાર હતો, પરંતુ અચાનક અક્ષયે કહી દીધું કે હું હવે આ ફિલ્મનો ભાગ નથી બનવા માગતો.’
વાતચીત દરમ્યાન કુમાર મંગત પાઠકે પોતાની લાગણી જણાવતાં કહ્યું કે ‘એક સમય હતો જ્યારે અક્ષય ખન્ના પાસે કોઈ કામ નહોતું ત્યારે મેં તેની સાથે ‘સેક્શન 375’ બનાવી હતી. એ વખતે પણ ઘણા લોકોએ મને તેના અનપ્રોફેશનલ વર્તનને કારણે તેની સાથે કામ ન કરવાની સલાહ આપી હતી. સેટ પર તેની એનર્જી ખૂબ નેગેટિવ રહેતી હતી. ‘સેક્શન 375’ પછી જ તેને ઓળખ મળી અને ત્યાર બાદ મેં તેને ‘દૃશ્યમ 2’ માટે સાઇન કર્યો. ‘દૃશ્યમ 2’ પછી તેને મોટી ઑફર મળવા લાગી. આ ફિલ્મ પહેલાં તે ત્રણ-ચાર વર્ષ સુધી ઘરે બેઠો હતો.’
અક્ષયના સ્ટાર પાવર વિશે વાત કરતાં કુમાર મંગત પાઠકે કહ્યું હતું કે ‘અક્ષયની બધી હિટ ફિલ્મો તેના નામે નહીં પણ મોટા સ્ટાર્સના નામે ચાલી છે. ‘દૃશ્યમ’ ફ્રૅન્ચાઇઝી અજય દેવગનના નામે ચાલે છે. ‘છાવા’ વિકી કૌશલની ફિલ્મ છે જેમાં અક્ષય પણ છે. ‘ધુરંધર’ રણવીર સિંહની ફિલ્મ છે. જો અક્ષય એકલો કોઈ ફિલ્મ લીડ કરે તો તે ભારતભરમાં ૫૦ કરોડ પણ નહીં કમાય. જો તેને એમ લાગતું હોય કે તે હવે સુપરસ્ટાર બની ગયો છે તો કોઈ મોટા સ્ટુડિયો સાથે સુપરસ્ટાર બજેટની ફિલ્મ બનાવીને બતાવે, જોઈએ કોને અપ્રૂવલ મળે છે. કેટલાક ઍક્ટર્સ મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં કામ કરે છે અને જ્યારે ફિલ્મ હિટ થાય છે ત્યારે તેઓ પોતાને સ્ટાર માનવા માંડે છે. ‘ધુરંધર’ની સફળતા પછી અક્ષયના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે અને તેને લાગે છે કે ‘ધુરંધર’ તેને કારણે ચાલી રહી છે, પરંતુ તેણે સમજવું જોઈએ કે કોઈ પણ ફિલ્મની સફળતા પાછળ ઘણાં ફૅક્ટર્સ હોય છે, માત્ર એક વ્યક્તિ નહીં.’