વાઇરસને ફેલાવવા કરતાં પ્રેમ ફેલાવો અને ઘરમાં રહો : પ્રીતિ

18 March, 2020 04:07 PM IST  |  New Delhi | Agencies

વાઇરસને ફેલાવવા કરતાં પ્રેમ ફેલાવો અને ઘરમાં રહો : પ્રીતિ

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટાએ કોરોના વાઇરસને કારણે લોકોને ઘરે રહેવાની સલાહ આપી છે. આ વાઇરસ દુનિયાભરમાં ફેલાયો છે અને એ જોતાં લોકોને વિવિધ સલાહ આપતાં એક વિડિયો પ્રીતિ ઝિન્ટાએ બનાવ્યો છે. એ વિડિયોમાં પ્રીતિ ઝિન્ટા કહી રહી છે કે ‘હાઇ, બધા કેમ છો? હું જાણું છું કે કોઈ ખુશ નથી, કેમ કે હાલમાં બધાને બળજબરીપૂર્વક રજા આપવામાં આવી છે. જોકે એ બધાના હિતમાં છે કે આપણે જવાબદાર નાગરિક બનીએ. એથી હું તમને કેટલીક બાબતોની વિનંતી કરું છું. પહેલી એ કે મહેરબાની કરીને ઘરમાં રહો, સતત હાથ ધુઓ અને પોતાના હાથની સાફસફાઈ લોકોને પણ દેખાડો. સાથે જ બહારનું વાતાવરણ પણ ખરાબ હોવાથી જરૂર ન હોય તો બહાર ન નીકળો. આગામી બે અઠવાડિયાંમાં ઘણો ફરક પડવાનો છે. આપણને જાણ થશે કે ભારતમાં આ બીમારીના કેટલા કેસ નોંધાયા છે અને કેટલાને આ બીમારીનું નિદાન થયું છે. એથી તમે ઘરે રહો એ ખૂબ અગત્યનું છે. વાઇરસને ન ફેલાવો, કારણ કે આપણી જે હેલ્થ કૅર સિસ્ટમ છે એ ઊભરાઈ જશે. હૉસ્પિટલમાં જે વેન્ટિલેટર્સ અને ઇમર્જન્સી રૂમ છે એ ટ્રૉમા પૅશન્ટ માટે છે. સાથે જ જે ખૂબ બીમાર છે, જેમને ગંભીર બીમારીઓ છે તેમના માટે છે. કોરોનાને કારણે આપણી હેલ્થ કૅર સિસ્ટમ પર માઠી અસર પડે એવું ન થવું જોઈએ. આપણે હંમેશાં ફરિયાદ કરીએ છીએ કે કામમાંથી રજા નથી મળતી તો હવે રજા મળી છે તો એને એન્જૉય કરો. વાઇરસને ન ફેલાવો, પ્રેમને ફેલાવો અને ઘરે રહો.’

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રીતિ ઝિન્ટાએ કૅપ્શન આપી હતી કે ‘છેલ્લા થોડા દિવસોમાં આપણી આસપાસ ઘણાંબધાં પરિવર્તન આવ્યાં છે. કોરોના વાઇરસને કારણે લગભગ બધું જ અટકી ગયું છે. આ વાઇરસ ઝડપથી પૂરા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. આપણા સૌના માટે એ જરૂરી છે કે યોગ્ય પગલાં લઈને આ વાઇરસને ફેલાતો અટકાવીએ. જો તમારી પાસે પર્યાય હોય તો તમે ઘરે જ રહો અને સમજદાર બનો. આ વાઇરસને ન ફેલાવો અને પોતાની જાતનું, ફૅમિલીનું અને આપણા દેશનું રક્ષણ કરો.’

preity zinta bollywood news entertainment news