‘ધ ડર્ટી પિક્ચર’ને કોઈ પણ ભોગે સફળ બનાવવા માટે એકતા તત્પર

03 November, 2011 09:34 PM IST  | 

‘ધ ડર્ટી પિક્ચર’ને કોઈ પણ ભોગે સફળ બનાવવા માટે એકતા તત્પર

 

આ મુદ્દે વાત કરતાં એકતાની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી છે કે બીજી ડિસેમ્બરે રિલીઝ થનારા ‘ધ ડર્ટી પિક્ચર’ના પ્રમોશન માટે ડિરેક્ટર મિલન લુથરિયા, ઇમરાન હાશ્મી, તુષાર કપૂર અને વિદ્યા બાલન અનેક કાર્યક્રમોમાં વ્યસ્ત હશે ત્યારે એકતા કપૂર ચાર જેટલાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની છે.

એકતાની આ મુલાકાત વિશે વાત કરતાં તેના પ્રોડક્શન હાઉસની એક વ્યક્તિ કહે છે, ‘એકતા પહેલાં અજમેર શરીફ જવાની છે. ત્યાંથી પરત આવ્યા પછી તે બીજા દિવસે કલકત્તાના કાલી ઘાટ મંદિરમાં જવાની છે. કલકત્તાથી ગુવાહાટી નજીક હોવાને કારણે પછી તે કામખ્યાદેવીના મંદિરે જશે અને પછી મુંબઈ આવી જશે. આટલાં મંદિરોની મુલાકાત લીધા પછી તે છેલ્લે તિરુપતિ બાલાજીનાં દર્શને જશે. એકતાનો અભિગમ ફિલ્મના વિષય કરતાં તદ્દન વિરોધાભાસી છે. એક તરફ ફિલ્મનું નામ ‘ધ ડર્ટી પિક્ચર’ છે અને બીજી તરફ તે આ ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરવા મંદિરોમાં જઈ રહી છે.’

જોકે એકતા નથી માનતી કે તે અંધશ્રદ્ધાળુ છે. એકતા માને છે કે તે ધાર્મિક પરિવારની છે અને આ કારણે કોઈ પણ નવું કામ કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાનું તેના માટે સ્વાભાવિક છે. આ કારણે જ એકતા પોતાની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં તિરુપતિ બાલાજીનાં દર્શન કરવા જાય છે.