ડાયરેક્ટર નીરજ પાઠક ભારતીય સેનાના આ શૌર્ય હીરો પર બનાવશે ફિલ્મ

26 June, 2022 05:00 PM IST  |  Mumbai | Rachana Joshi

૧૧ ગોળીઓ વાગ્યા બાદ પોતાનો જ પગ કાપનાર પેરા કમાન્ડો મધુસુદન સુર્વેના જીવન પર બાયોપિક બનાવશે દિગ્દર્શક : ફિલ્મના રાઇટ્સ લઈ લીધા હોવાની જાહેરાત કમાન્ડોના ગામમાં જઈને કરી

ફિલ્મની જાહેરાતના કાર્યક્રમમાં ડાયરેક્ટર નીરજ પાઠક અને પેરા કમાન્ડો મધુસુદન સુર્વે

‘રાઇટ યા રોન્ગ’, ‘ભૈયાજી સુપરહિટ’, ‘પરદેસ’, ‘ગુમનામ : ધ મિસ્ટ્રી’ જેવી ફિલ્મો આપનાર દિગ્દર્શક નીરજ પાઠક (Neeraj Pathak) વાસ્તવિક જીવન પર આધારિત વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ૧૧ ગોળીઓ વાગ્યા બાદ પોતાનો જ પગ કાપનાર પેરા કમાન્ડો મધુસુદન સુર્વે (Madhusudan Surve)ના જીવન પર તેઓ ફિલ્મ બનાવવાના છે. જેની જાહેરાત દિગ્દર્શકે ગઈ કાલે રત્નાગિરિ જીલ્લામાં આવેલા પેરા કમાન્ડોના ગામ શિવતરમાં કરી હતી.

કમાન્ડો મધુસુધન સુર્વે કોણ છે?

રત્નાગિરીના ખેડ જીલ્લામાં આવેલા શિવતર ગામને સૈનિકોનું ગામ કહેવાય છે. કારણકે પ્રથમ વિશ્વયુદ્ધના સમયથી આ ગામડામાં દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ ભારતીય સેનામાં કાર્યરત છે. આ જ ગામના એક વીર એટલે પેરા કમાન્ડો મધુસુદન સુર્વે. વર્ષ ૨૦૦૫માં ‘ઓપરેશન હિફાઝત મણિપુર’ દરમિયાન દુશ્મનો સામે લડતા કમાન્ડો મધુસુદનને કુલ ૧૧ ગોળી વાગી હતી. જેમાંથી સાત ડાબા પગમાં, બે જમણા પગમાં અને બે પાંસળીઓમાં હતી. ઓપરેશન દરમિયાન પોતાના સાથીદારો અને દેશની રક્ષા કરવા માટે તેમણે સાત ગોળી વાગેલો પોતાનો પગ પોતાની જાતે ખુપરીથી કાપી નાખ્યો હતો. વહેતા લોહીએ પણ તેઓ સાથીદારોને આદેશ આપતા રહ્યાં હતા અને ઓપરેશનમાં તેમણે દુશ્મનના ત્રણ સૈનિકોને અને આઠ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ૨૪ કલાક સુધી વરસતા વરસાદમાં તેમણે લડત ચાલુ રાખી ત્યારબાદ તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. સાત દિવસ કોમામાં રહ્યાં બાદ તેમના પગનું ઓપરેશન કરીને નકલી પગ બેસાડવામાં આવ્યો હતો અને તેઓ પોતાના પગ પર ફરી ઉભા થયા હતા. આટલી મુશ્કેલીઓ હોવા છતા તેમણે પરિવારને આ બબાતે જાણ નહોતી કરી. દેશ માટે લડાઇ લડ્યા બાદ જીવનની લડાઇ લડ્યાં હતા અને તેમા તે સફળ થયા હતા. આ માટે તેમને શોર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પરિવાર સાથે કમાન્ડો મધુસુધન સુર્વે

તેમના પરિવારમાં માતા, પત્ની, એક દીકરો અને દીકરી છે.

દિગ્દર્શક નીરજ પાઠકે લીધા ફિલ્મના રાઇટ્સ

પેરા કમાન્ડો મધુસુદન સુર્વેના જીવન પર ફિલ્મ બનાવવાના રાઇટ્સ દિગ્દર્શક નીરજ પાઠકે લીધા છે. હવે બહુ જલ્દી ફિલ્મ પર કામ કરવાની શરુઆત થશે. આ બાબતની જાહેરાત ગઈ કાલે તેમણે પેરા કમાન્ડો મધુસુદન સુર્વેના ગામ શિવતરમાં કરી હતી.

નીરજ પાઠકે ફિલ્મ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, ‘મેં જ્યારે પહેલી વાર શિવતર ગામની અને કમાન્ડો મધુસુદન સુર્વેની વાર્તા સાંભળી ત્યારે હું બહુ જ ભાવુક થઈ ગયો હતો. તેમની વાર્તા સાંભળીને મારા રુંવાટા ઉભા થઈ ગયા હતા. જે ગામ અને જે ગામન લોકો ભારતીય આર્મીને આટલા સમર્પિત છે અને દેશ માટે પોતાનો જીવ આપી દે છે તેમની વાત લોકો સુધી પહોંચવી જ જોઈએ. એટલે મેં તેમના જીવન પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું.’

ફિલ્મ વિશે વધુ વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘હવે ફિલ્મ પર કામ કરવાનું શરુ થઈ જશે. આવતા ત્રણથી ચાર મહિનામાં વાર્તા પર કામ કરાશે. ત્યારબાદ ફિલ્મનું કાસ્ટિંગ થશે. વર્ષ ૨૦૨૨ની શરુઆતમાં ફિલ્મનું શૂટિંગ થશે. જે લગભગ ૮૦થી ૯૦ દિવસમાં પતાવવામાં આવે તેવી યોજના છે.’

ફિલ્મ રિલિઝ અને કાસ્ટ વિશે નીરજ પાઠકે કહ્યું કે, ‘વર્ષ ૨૦૨૩ની ૨૬ જાન્યુઆરીની આસપાસ ફિલ્મ રિલીઝ કરવાની મને ઇચ્છા છે. જે સમયે દેશભક્તિની ભાવના લોકોમાં ચરમ સીમાએ હોય તે સમયે ફિલ્મ રિલીઝ થશે તો વધુ લોકો સુધી પહોંચશે તેમ મને લાગે છે. તેમજ જો હું હીરોની વાત કરું તો મારે ફિલ્મમાં એવા હીરોને કાસ્ટ કરવો છે જેણે ક્યારેય ભારતીય સૈનિકની ભૂમિકા ભજવી જ નથી.’

ફિલ્મ વિશે સુર્વે પરિવારનું આ છે માનવું…

પેરા કમાન્ડો મધુસુદન સુર્વેની ઇચ્છા છે કે તેમના જીવન પર બનનારી ફિલ્મમાં પોતે જ હીરોની ભૂમિકા ભજવે. તો દીકરી સાયલી અને દીકરા મંદારની ઇચ્છા છે કે, પિતાની ભૂમિકા રણવીર સિંહ અને માતાની ભૂમિકા આલિયા ભટ્ટ ભજવે. મધુસુદન સુર્વેની ધર્મ પત્ની સુવર્ણા ફિલ્મની ઘોષણાથી ખુબ ખુશ છે.

ફિલ્મની જાહેરાતના કાર્યક્રમમાં પેરા કમાન્ડો મધુસુદન સુર્વે (ડાબેથી ત્રીજા), ડાયરેક્ટર નીરજ પાઠક અને કૉ-ડાયરેક્ટર મનીષ શર્મા

આ પ્રસંગે ફિલ્મના કૉ-ડાયરેક્ટર મનીષ શર્મા પણ હાજર રહ્યા હતા.

entertainment news bollywood bollywood news upcoming movie