25 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરદારજી 3
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સર્જાયેલો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તનાવ ફરી એક વાર એન્ટરટેઇનમેન્ટ-ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યો છે. પંજાબી સિંગર-ઍક્ટર દિલજિત દોસાંઝ હાલમાં તેની આગામી પંજાબી ફિલ્મ ‘સરદારજી 3’માં પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરની હાજરીને કારણે ભારે ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. દિલજિતે રવિવારે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું, જેમાં જાહેર કરવામાં આવ્યું કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે આ ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય અને એનું પ્રીમિયર ફક્ત વિદેશમાં થશે. દિલજિતે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર શૅર કર્યું અને યુટ્યુબ લિન્ક પણ પોસ્ટ કરી. જોકે ભારતમાં યુટ્યુબ પર આ ટ્રેલર જોવા માટે ઉપલબ્ધ નથી અને યુઝર્સને ‘The uploader has not made this video available in your country’નો મેસેજ દેખાય છે. આ ફિલ્મનું ટીઝર અને ગીતો ભારતમાં ઉપલબ્ધ છે, પરંતુ ટ્રેલરમાં હાનિયા આમિરની હાજરીને કારણે એને જિયો-બ્લૉક કરવામાં આવ્યું છે.
‘સરદારજી 3’માં પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિરની હાજરીને કારણે સોશ્યલ મીડિયામાં દિલજિત દોસાંઝ અને ‘સરદારજી 3’ના બહિષ્કારની માગ ઊઠી છે. હાનિયા સાથે કામ કરવા બદલ દિલજિતને ટ્રોલ કરતાં લોકોએ તેને નિર્લજ્જ અને ખાલિસ્તાની સમર્થક ગણાવ્યો છે. આ વિવાદના જવાબમાં ફિલ્મના નિર્માતા ગુનબીર સિંહ સિધુએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘આ ફિલ્મનું શૂટિંગ ભારત-પાકિસ્તાન વિવાદ પહેલાં થયું હતું. ભારતીય લાગણીઓને ધ્યાનમાં રાખીને અમે ફિલ્મને ભારતમાં રિલીઝ નહીં કરીએ.’
‘સરદારજી 3’ એક હૉરર-કૉમેડી ફિલ્મ છે જેમાં દિલજિત દોસાંઝ અને હાનિયા આમિર બ્રિટનના એક ભૂતિયા મેન્શનમાંથી આત્માને બહાર કાઢવા માટે ઍક્ટિવ ઘોસ્ટ હન્ટર્સની ભૂમિકામાં છે. ફિલ્મમાં નીરુ બાજવા પણ મુખ્ય ભૂમિકામાં છે જે દિલજિતના પાત્ર સાથે રોમૅન્ટિક રોલમાં છે. આ ફિલ્મનું ડિરેક્શન અમર હુન્ડલે કર્યું છે અને એ ૨૦૨૫ની ૨૭ જૂને ફક્ત ફૉરેન માર્કેટમાં રિલીઝ થશે.
દિલજિત પર ભારતમાં લાગશે પ્રતિબંધ?
ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE) અને ઑલ ઇન્ડિયા સિને વર્કર્સ અસોસિએશન (AICWA)એ દિલજિત દોસાંઝનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. FWICEના પ્રમુખ બી. એન. તિવારીએ જણાવ્યું હતું કે ‘અમે દિલજિતથી લઈને નિર્માતાઓ સુધી, બધાને બૅન કરીશું જેથી તેઓ ફરી ફિલ્મ બનાવી નહીં શકે. ભારતમાં આ ફિલ્મ રિલીઝ ન થાય તો પણ દિલજિત અને તેમની ટીમે ભારતમાં કામ ન કરવું જોઈએ. પાકિસ્તાની ઍક્ટર્સ સાથે કામ કરીને દિલજિતે ભારતીય લાગણીઓને ઠેસ પહોંચાડી છે. તેણે રાષ્ટ્રની લાગણીઓનું અપમાન કર્યું છે અને આપણા બહાદુર સૈનિકોના બલિદાનનું અપમાન કર્યું છે. ભારતીય કલાકારોને બદલે પાકિસ્તાની ટૅલન્ટને પસંદગી આપવી એ તેમની નિષ્ઠા અને પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે.’
જિયો-બ્લૉક એટલે શું?
જિયો-બ્લૉક એ એક ટેક્નૉલૉજી છે જેનો ઉપયોગ ઇન્ટરનેટ પર ચોક્કસ ભૌગોલિક વિસ્તારો અથવા દેશોમાં ઑનલાઇન કન્ટેન્ટના ઍક્સેસને પ્રતિબંધિત કરવા માટે કરવામાં આવે છે. આ પ્રતિબંધ યુઝરના IP ઍડ્રેસ અથવા અન્ય લોકેશન આધારિત ડેટાના આધારે લગાડવામાં આવે છે. ‘સરદારજી 3’ના ટ્રેલરની વાત કરીએ તો એ ભારતમાં જિયો-બ્લૉકનું ઉદાહરણ છે. આ પ્રતિબંધ રાજકીય, સાંસ્કૃતિક, કાનૂની અથવા પ્રોફેશનલ કારણોસર (જેમ કે ભારત-પાકિસ્તાન તનાવ અને હાનિયા આમિરની હાજરી) લગાડવામાં આવ્યો હોઈ શકે છે.