27 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલજિત દોસાંઝ
દિલજિત દોસાંઝની ફિલ્મ ‘સરદારજી 3’ વિદેશમાં રિલીઝ થઈ રહી છે. જોકે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ‘સરદારજી 3’ ભારતમાં વિવાદોમાં ફસાઈ ગઈ છે. ખરેખર ભારત-પાકિસ્તાન તનાવની વચ્ચે ફિલ્મના ટ્રેલરમાં દિલજિત સાથે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે, જેના કારણે ફિલ્મને લઈને ઘણો હોબાળો થઈ રહ્યો છે. હવે આ વિવાદના મામલે દિલજિત દોસાંઝે સ્પષ્ટતા કરી છે.
દિલજિત દોસાંઝે હાલમાં એક ઇન્ટરવ્યુમાં ‘સરદારજી 3’ વિવાદ વિશે વાત કરી. દિલજિતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘જ્યારે આ ફિલ્મ બની ત્યારે બધી પરિસ્થિતિ બરાબર હતી. ફેબ્રુઆરીમાં મોટા ભાગની ફિલ્મ શૂટ કરી લેવામાં આવી હતી અને ત્યારે બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ઘણી મોટી વસ્તુઓ આપણા હાથમાં નથી એટલે નિર્માતાઓએ નિર્ણય લીધો કે આ ફિલ્મ બનાવવામાં આવશે, પણ એ ભારતમાં રિલીઝ નહીં થાય. એથી એને વિદેશમાં રિલીઝ કરીએ છીએ. તેમનું ઘણું રોકાણ થયેલું છે અને જ્યારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે આવું કંઈ નહોતું. તેમના મનમાં પહેલેથી જ છે કે નુકસાન તો થશે જ, કારણ કે એક આખો દેશ બાકાત કરી રહ્યા છીએ. મેં પણ જ્યારે ફિલ્મ સાઇન કરી હતી ત્યારે બધું બરાબર હતું. પરિસ્થિતિ તો આપણા હાથમાં નથી, હવે તેઓ એને વિદેશમાં રિલીઝ કરવા માગે છે તો હું તેમની સાથે છું.’
આ ઇન્ટરવ્યુમાં દિલજિતે પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિર સાથે કામ કરવાના અનુભવ વિશે પણ વાત કરી. દિલજિત દોસાંઝે કહ્યું કે ‘હું ખૂબ જ પ્રોફેશનલ છું. હું તેમના કામ અને પ્રાઇવસીનું સન્માન કરું છું. ખાસ કરીને વ્યસ્ત હોવાને કારણે વાત કરવાનો વધુ સમય મળતો નથી. હું બધાને, ખાસ કરીને મહિલાઓને તેમની સ્પેસ આપું છું. એથી હાનિયા સાથે મારે પૉઇન્ટ ટુ પૉઇન્ટ જ વાત થઈ છે.’
આ વિવાદ વકરી રહ્યો છે ત્યારે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લૉઈઝ (FWICE)એ સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ને ફિલ્મને પ્રમાણપત્ર આપવાની ના પાડવાની વિનંતી કરી છે, કારણ કે ફિલ્મના કલાકારોમાં પાકિસ્તાની ઍક્ટ્રેસ હાનિયા આમિર અને બીજા અન્ય પાકિસ્તાની કલાકારો સામેલ છે. FWICEએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને દિલજિત અને ફિલ્મની ટીમ સામે કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે અને દિલજિતનો પાસપોર્ટ અને નાગરિકત્વ રદ કરવાની અપીલ પણ કરી છે. આ બધાની વચ્ચે ફિલ્મના નિર્માતાઓએ ભારતમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય લીધો છે. ‘સરદારજી 3’ હવે ૨૭ જૂને માત્ર વિદેશમાં રિલીઝ થશે.