દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાનનું નિધન

21 August, 2020 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાનનું નિધન

દિલીપ કુમાર

કોરોના વાયરસ (COVID-19)એ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે. આ વખતે દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાનનું કોરોનાને લીધે નિધન થયું છે. જ્યારે અભિનેતાના બીજા ભાઈ અહેસાન ખાનની તબિયત ગંભીર છે. બન્ને ભાઈઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે રાહતના સમાચાર એ છે કે, દિલીપ કુમાર તથા સાયરાબાનો કોરોનાની ચપેટમાં નથી આવ્યા અને તેઓ સુરક્ષિત છે.

દિલીપ કુમારના સૌથી નાના ભાઈ અસલમ ખાનનું 88 વર્ષની વયે શુક્રવારે 21 ઓગસ્ટના રોજ મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં અવસાન થયું હતું. મોડી રાતે તેમની તબિયત ગંભીર થઈ હતી. તેઓ વેન્ટિલેટર સપોર્ટ સિસ્ટમ પર હતા. લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટર જલીલ પાર્કરે અસલમ ખાનના અવસાનની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, મહાન અભિનેતા દિલીપ કુમારના નાના ભાઈ અસલમ ખાનને શુગર, બ્લડપ્રેશર તથા હાર્ટ સંબંધિત બીમારીઓની સાથે કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. તેમનું વહેલી સવારે નિધન થયું હતું. દિલીપ કુમારના બીજા ભાઈ અહેસાન ખાનની તબિયત પણ નાજુક છે. હૉસ્પિટલ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેમને હાલમાં ક્રિટિકલ કેર યુનિટમાં રાખવામાં આવ્યા છે. બન્ને ભાઈઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ત્યારબાદ બન્ને ભાઈના રેપિડ એન્ટીજન ટેસ્ટ પૉઝિટિવ આવ્યા હતા. ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દિલીપ કુમારના બન્ને ભાઈ અસલમ તથા અહેસાન અલગ ઘરમાં રહેતા હતા. આથી જ દિલીપ કુમાર તથા સાયરાબાનો કોરોનાની ચપેટમાં નથી આવ્યા અને તેઓ સલામત છે. જોકે, બન્ને ભાઈઓનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. દિલીપ કુમારે એપ્રિલમાં ચાહકોને અપીલ કરતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. આ પોસ્ટમાં તેમણે ચાહકોને કોરોનાને કારણે ઘરમાં જ રહેવાની વિનંતી કરી હતી.

coronavirus covid19 entertainment news bollywood news dilip kumar lilavati hospital