પ્રોડ્યુસર લતા મંગેશકરને જાણો છો?

11 March, 2020 12:50 PM IST  |  Mumbai | Ashu Patel

પ્રોડ્યુસર લતા મંગેશકરને જાણો છો?

લતા મંગેશકર

લતા મંગેશકરને ગાયિકા તરીકે તો લગભગ તમામ ભારતીયો ઓળખતા હશે, પણ તેઓ પ્રોડ્યુસર પણ હતાં એ મોટા ભાગના લોકોને ખબર નહીં હોય. લતાજીએ ૧૯૫૩થી ૧૯૯૦ દરમ્યાન ચાર ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી. તેમણે ૧૯૫૩માં મરાઠી ફિલ્મ ‘વાદળ’ પ્રોડ્યુસ કરી હતી. એ જ વર્ષે તેમણે વી. શાંતારામ સાથે ‘ઝંઝાર’ ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી હતી.

‘ઝંઝાર’ ફિલ્મના ડિરેક્ટર કેદાર શર્મા હતા અને એ ફિલ્મમાં કામિની કૌશલ, ઉષા કિરણ, મોતીલાલ, સજજન, કે. એન. સિંઘ જેવા કલાકારો હતા. એ ફિલ્મનું સંગીત એ વખતના ખ્યાતનામ સંગીતકાર સી. રામચંદ્રએ આપ્યું હતું. એ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર ક્રિશને લખ્યાં હતાં. એ ફિલ્મમાં લતા મંગેશકર અને સી. રામચંદ્રએ તો ગીતો ગાયાં જ હતાં, પણ મધુબાલા ઝવેરી અને સુંદરે પણ ગીતો ગાયાં હતાં. એ ફિલ્મના સિનેમૅટોગ્રાફર ડી. કે. આમ્બ્રે હતા, તો એડિટર પ્રભાકર ગોખલે હતા અને સૂર્યાકુમાર કોરિયોગ્રાફર હતા.

‘ઝંઝાર’ ફિલ્મમાં લતા મંગેશકરે જે ગીતો ગાયાં હતાં એ પૈકી ‘છેડ ગયો મોહે છેડ ગયો...’ અને ‘અય પ્યાર તેરી દુનિયા સે...’ ગીતો લોકપ્રિય બન્યાં હતાં. લતા મંગેશકરે ‘કાંચન ગંગા’ ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મમાં મૈયા, ચંદ્રકાંત, પ્રેમ, અદીપ, સુમિત્રા, ત્રિલોક કપૂર, આશા માથુર, જીવન, એસ. એન. ત્રિપાઠી, બિપિન ગુપ્તા, મોની ચૅટરજી, શકુન્તલા જેવા કલાકારો હતા. એ ફિલ્મનાં ગીતો રાજેન્દ્ર ક્રિશને લખ્યાં હતાં અને હુશ્‍નલાલ-ભગતલાલે એ ફિલ્મનું મ્યુઝિક આપ્યું હતું. બ્રિજ શર્માએ એ ફિલ્મ ડિરેક્ટ કરી હતી.

બાય ધ વે એ પછી વી. શાંતારામે ૧૯૮૭માં પણ ‘ઝંઝાર’ ફિલ્મ બનાવી હતી. એટલે એ ફિલ્મ સાથે આ ફિલ્મની કોઈ વાચકો ભેળસેળ ન કરી નાખે એટલે ખુલાસો કરી દઉં કે ૧૯૮૭માં વી. શાંતારામે જે ‘ઝંઝાર’ ફિલ્મ બનાવી હતી એ ફિલ્મ સાથે લતાજીને સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. ૧૯૫૩માં બનેલી ફિલ્મ લતા મંગેશકરે અને વી. શાંતારામે કો-પ્રોડ્યુસ કરી હતી. ૧૯૮૭માં વી. શાંતારામે રાજ કલામંદિરના બૅનર હેઠળ ફરી વાર ‘ઝંઝાર’ ફિલ્મ બનાવી હતી ત્યારે તેમની ઉંમર ૮૫ વર્ષની હતી. એ ફિલ્મમાં કલ્યાણજી-આણંદજીએ સંગીત આપ્યું હતું અને એમાં શાંતારામના પૌત્ર સુશાંત રાયે હીરો તરીકે અભિનય કર્યો હતો અને પદ્‍મિની કોલ્હાપુરે એ ફિલ્મની હિરોઇન હતી. એ ફિલ્મમાં યુનુસ પરવેઝ, સુધીર પાંડે અને વી. શાંતારામનાં પત્ની અને એક સમયનાં જાણીતાં અભિનેત્રી સંધ્યાની ભત્રીજી રંજના દેશમુખે પણ અભિનય કર્યો હતો (એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બૅન્ગલોરમાં રંજનાને કાર-ઍક્સિડન્ટ નડ્યો હતો અને એમાં તેને ગંભીર ઈજા થઈ હતી એને કારણે તેની ઍક્ટિંગ-કરીઅરને બ્રેક લાગી ગઈ હતી). જોકે એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ હતી.

આ પણ વાંચો : પારસ અને હું માત્ર ફ્રેન્ડ છીએ : માહિરા શર્મા

લતાજીએ અઢી દાયકાથી વધુ સમય અગાઉ એક સરસમજાની હિન્દી ફિલ્મ પૂરી પૅશન સાથે બનાવી હતી. તેમણે પ્રોડ્યુસ કરેલી એ મજાની ફિલ્મ વિશે બીજા પીસમાં વાત કરીશું.

lata mangeshkar ashu patel bollywood news entertainment news