બૉલીવુડમાં મારી આંગળી કોઈએ નહોતી પકડી: પ્રિયંકા

07 November, 2014 05:14 AM IST  | 

બૉલીવુડમાં મારી આંગળી કોઈએ નહોતી પકડી: પ્રિયંકા

પરંતુ સફળ ઍક્ટિંગ-કરીઅરમાં કોઈ માર્ગદર્શક ન હોવાનો તેને વસવસો છે. જોકે સ્વબળે સફળતાના શિખરે પહોંચેલી આ ભૂતપૂર્વ મિસ વર્લ્ડ હવે ફિલ્મ-પ્રોડ્યુસર બનીને નવી ટૅલન્ટને પ્રમોટ કરવાની યોજનામાં છે. પ્રોડ્યુસર બનવાની હિંમત અને પ્રેરણા મને પોતાના અનુભવે જ મળી છે એમ જણાવતાં પ્રિયંકા કહે છે, ‘મેં જ્યારે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે મારી આંગળી પકડીને આ દિશામાં આગળ વધ એવું કહેનારું કોઈ નહોતું. મારી કરીઅરમાં કોઈ મેન્ટર નહોતો કે ફિલ્મોદ્યોગ વિશે કોઈ જાણકારી ધરાવતા હોય એવા મિત્રો પણ નહોતા. મેં આ સફર એકલા રહીને, સંઘર્ષ કરીને સર કરી છે. ક્યારેક એવો વિચાર સ્ફૂર્યો હતો કે મારું પોતાનું નાનું પણ સારી ફિલ્મો બનાવી શકાય એવું એક પ્રોડક્શન-હાઉસ હોય જેમાં ડિરેPરો, રાઇટરો, મ્યુઝિશ્યનો અને ઍPરોની નવી ટૅલન્ટને તક મળી શકે.’બસ, આવી જ એક પળે તેની પાસે ‘મૅડમજી’નો પ્રસ્તાવ આવ્યો. ફિલ્મ ‘મૅડમજી’ પ્રિયંકાનું પ્રોડ્યુસર તરીકેનું પહેલું સાહસ છે જેમાં નૅશનલ અવૉર્ડ વિનિંગ ઍક્ટ્રેસ પ્રિયંકા પોતે ટાઇટલ રોલ કરી રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન મધુર ભંડારકર કરશે. નવેમ્બર એન્ડથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની ધારણા છે.


પ્રોડ્યુસર તરીકે પોતાના પહેલા પ્રોજેP ‘મૅડમજી’ વિશે વાત કરતાં પ્રિયંકા કહે છે, ‘મધુર આ પ્રોજેP લઈને મારી પાસે આવ્યો હતો. મારા મનમાં વિચાર ઝળક્યો કે મધુર સાથે તો ‘ફૅશન’ જેવી ફિલ્મ કરવાનો મને સારો અનુભવ છે અને તે નીવડેલો કસબી છે. જો મારે તેની ફિલ્મ કરવી જ છે તો પછી એને પ્રોડ્યુસ પણ કરું તો ફિલ્મ-પ્રોડક્શનમાં એ શુભ અને સફળ શરૂઆત ગણાય. આ વિચાર આવ્યો અને તરત જ અમલમાં મૂક્યો. મોટા ફિલ્મ-પ્રોડ્યુસરોની સરખામણીએ હું તો બેબી પ્રોડ્યુસર છું.’


આ વર્ષે ‘મૅરી કૉમ’ જેવી ફિલ્મથી પોતાની ઍક્ટિંગને નવી ઊંચાઈએ લઈ જનારી આ હિરોઇન ગમે ત્યારે અંત: સ્ફુરણાથી આગળ વધે છે. તેને કોઈ પણ નવો વિચાર આવે એટલે તે પૂરી તાકાતથી મચી પડે છે. હું કોઈ પ્લાનિંગથી આગળ નથી વધતી એમ જણાવતાં તે કહે છે, ‘મને અંત: સ્ફુરણા થાય અને મગજમાં વિચાર ઝબકે એટલે એમાં લાગી જાઉં છું. માર્ગમાં જે પણ કામ આવે એને શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયાસ કરું છું. હું સિંગર કે ઍક્ટ્રેસ બનીશ એવું પણ ક્યારેય નહોતું વિચાર્યું. હું તો એન્જિનિયર બનવા માગતી હતી. જોકે બને છે એવું કે કુદરત મારી મનની ઇચ્છાઓ ક્યારેય પૂરી નથી કરતી. હવે મેં મારા પ્લાન ભગવાનભરોસે શરૂ કરવાનું નક્કી કર્યું છે. મારે તો બસ સખત મહેનત કરવાની છે અને જે તક મળે એમાં જીવ રેડીને કામ કરવાનું છે.’

ફિલ્મોની પસંદગી સાવચેતીથી

‘મૅરી કૉમ’ જેવી સ્ર્પોટ્સ પર્સનાલિટીની ફિલ્મ કર્યા બાદ મલ્ટિ-ટૅલન્ટેડ પ્રિયંકા હવે આધુનિક યુગની મલ્ટિ-સ્ટારર ફિલ્મ ‘દિલ ધડકને દો’ અને ‘બાજીરાવ મસ્તાની’ જેવી પિરિયડ ફિલ્મ કરવા માટે સજ્જ થઈ રહી છે. પોતાના આવા પ્રયોગાત્મક અને સાહસિક સ્વભાવ વિશે તે કહે છે, ‘હું હંમેશાં રસપ્રદ પ્રોજેP જ પસંદ કરું છું. મને બીબાઢાળ પ્રોજેPમાં રસ નથી તેથી ફિલ્મોની પસંદગી સાવચેતીથી કરું છું. એક જ પ્રકારની ભૂમિકાઓથી મને કંટાળો આવે છે. વ્યક્તિ તરીકે પણ મને વિવિધતા ગમે છે અને હંમેશાં સમયની સાથે ચાલવું ગમે છે.’