07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિયા મિર્ઝા
દિયા મિર્ઝાએ ૨૦૦૧માં ‘રહના હૈ તેરે દિલ મેં’ ફિલ્મથી પોતાની ફિલ્મી કરીઅરની શરૂઆત કરી હતી અને હાલમાં તે અનેક ફીલ્ડમાં સક્રિય છે. દિયા સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરવા માટે પણ જાણીતી છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના પરિવાર, બાળપણ અને સ્વર્ગસ્થ સાવકા પિતા અહમદ મિર્ઝા તથા તેના જીવનમાં તેમની ભૂમિકા વિશે તેણે ખૂલીને વાત કરી. આ સાથે તેણે પોતાની સ્ટેપડૉટર સમાયરા રેખી વિશે પણ એક ખુલાસો કર્યો અને જણાવ્યું કે તેની સ્ટેપડૉટરના ફોનમાં તેનો નંબર ‘નૉટ યેટ ઇવિલ સ્ટેપમધર’ એટલે કે ‘અત્યારે તો સાવકી માતા દુષ્ટ નથી’ના નામે સેવ્ડ હતો.
દિયા મિર્ઝાએ ૨૦૨૧માં વૈભવ રેખી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. દિયાએ અચાનક લગ્નનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લગ્ન પછી દિયા એક દીકરાની મા બની હતી. દિયા અને વૈભવ બન્નેનાં આ બીજાં લગ્ન હતાં. વૈભવનાં પહેલાં લગ્નથી સમાયરા નામની દીકરી છે અને દિયા તેમ જ સમાયરા વચ્ચે સારુંએવું બૉન્ડિંગ છે.