20 March, 2026 01:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર : ધ રિવેન્જમાં જમીલ જમાલીએ મારી બાજી
ફિલ્મોમાં સામાન્ય રીતે સમગ્ર ફોકસ હીરો-હિરોઇન કે વિલન પર જ રહેતું હોય છે. જોકે વાર્તા કેવી રીતે રજૂ કરવી એ મેકર્સ પર નિર્ભર હોય છે. ઘણી વખત કેટલાંક એવાં પાત્રો પણ હોય છે જેમને સ્ક્રીનટાઇમ ઓછો મળે છે, પરંતુ તેઓ જ ફિલ્મ માટે બહુ મહત્ત્વનાં સાબિત થાય છે. હાલમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’માં રણવીર સિંહનાં બે પાત્રો હમઝા અને જસકિરત સિંહ રંગીની વાર્તા બતાવવામાં આવી છે. એ સિવાય ફિલ્મમાં સંજય દત્ત પણ પોતાના દમદાર અંદાજમાં જોવા મળે છે. જોકે આ બધું હોવા છતાં ફિલ્મમાં જમીલ જમાલીનું પાત્ર ભજવતો રાકેશ બેદી બાજી મારી જાય છે અને તે જ આ વાર્તાનો સૌથી મોટો માસ્ટરમાઇન્ડ નીકળે છે. યાલિનાના પિતા અને હમઝાના સસરા તરીકે દેખાતું આ પાત્ર શરૂઆતમાં હળવાફૂલ અંદાજમાં જોવા મળે છે, પરંતુ એની પાછળ મોટી યોજના છુપાયેલી હોય છે.
ફિલ્મના ક્લાઇમૅક્સમાં મોટો ખુલાસો થાય છે કે જે ભારતીય જાસૂસ વર્ષોથી પાકિસ્તાનમાં રહીને કામ કરી રહ્યો હતો તે કોઈ બીજો નહીં પરંતુ જમીલ જમાલી જ છે. અંતમાં તે હમઝાને ઍરપોર્ટ સુધી મૂકવા જાય છે અને ત્યાર બાદ ખબર પડે છે કે તે વર્ષોથી ભારત માટે ગુપ્ત રીતે કામ કરતો હતો એટલું જ નહીં, જમીલ જમાલી જ હમઝાને જણાવે છે કે ‘બડે સાહબ’ દાઉદ ઇબ્રાહિમની તબિયત ખરાબ થવા પાછળ પણ તેનો જ હાથ હતો. તેણે દાઉદને સ્લો પૉઇઝન આપ્યું હતું જેને કારણે દાઉદ દરરોજ તડપતો રહે છે. આ રીતે ઓછા સ્ક્રીનટાઇમ છતાં રાકેશ બેદીનું પાત્ર આખી ફિલ્મનો સૌથી મોટો ખેલાડી અને માસ્ટરમાઇન્ડ બનીને સામે આવે છે.