27 December, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર
રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ની બૉક્સ-ઑફિસ પરની કમાણી માત્ર ૨૧ દિવસમાં વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે અને એણે નવો રેકૉર્ડ બનાવ્યો છે. આ કમાણી સાથે ‘ધુરંધર’ ૨૦૨૫ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં ૨૦૨૫માં સૌથી વધારે કમાણી કરનારી ભારતીય ફિલ્મ રિષબ શેટ્ટી દિગ્દર્શિત ‘કાંતારા : ધ લેજન્ડ ચૅપ્ટર 1’ (કન્નડા) હતી અને એની વૈશ્વિક કમાણી ૮૫૦ કરોડ રૂપિયા જેટલી હતી. હવે ‘ધુરંધર’ની કમાણી આના કરતાં વધી ગઈ છે.
‘ધુરંધર’ના મેકર્સે આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન હવે ૧૦૦૬.૭ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ૨૦ દિવસમાં ફિલ્મનું વર્લ્ડવાઇડ કલેક્શન ૯૪૪ કરોડ રૂપિયા હતું જેમાં એકવીસમા દિવસે આવેલા ઉછાળાએ એને સીધી ૧૦૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં પહોંચાડી દીધી છે.
૨૦૨૫ની સૌથી મોટી ફિલ્મો
ફિલ્મ કમાણી (રૂપિયામાં)
ધુરંધર (હિન્દી) ૧૦૦૬.૭ કરોડ
કાંતારા : ધ લેજન્ડ ચૅપ્ટર 1 (કન્નડા) ૮૫૦ કરોડ
છાવા (હિન્દી) ૭૯૭ કરોડ
સૈયારા (હિન્દી) ૫૭૯ કરોડ
કૂલી (તામિલ) ૫૧૪ કરોડ