20 December, 2025 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીજા અઠવાડિયામાં સૌથી વધુ કમાણી કરવાનો નવો રેકૉર્ડ ધુરંધરનો
‘ધુરંધર’ની ગાડી એવી નૉનસ્ટૉપ ચાલી રહી છે કે એ એક પછી એક નવા કીર્તિમાન સ્થાપિત કરતી જાય છે. ગુરુવારે પૂરા થયેલા બીજા અઠવાડિયામાં આ ફિલ્મે ભારતમાં બૉક્સ-ઑફિસ પર ૨૬૧.૫૦ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરીને બીજા સપ્તાહની કમાણીમાં ‘પુષ્પા 2’ જેવી ધુરંધર ફિલ્મને પણ પાછળ રાખી દઈને નવો રેકૉર્ડ બનાવ્યો છે. બીજા અઠવાડિયામાં ‘ધુરંધર’ જેટલો બિઝનેસ આ અગાઉ કોઈ હિન્દી ફિલ્મે નથી કર્યો. પ્રથમ સપ્તાહમાં ‘ધુરંધર’નું નેટ કલેક્શન ૨૧૮ કરોડ રૂપિયા હતું એ જોતાં બે અઠવાડિયામાં એનું ટોટલ ૪૭૯.૫૦ કરોડ રૂપિયા થઈ ગયું છે. ગઈ કાલના ત્રીજા શુક્રવારે આ ફિલ્મે ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હશે એ નક્કી.
ગઈ કાલે હૉલીવુડની ફિલ્મ ‘અવતાર’ રિલીઝ થઈ છે, પણ એની અસર ‘ધુરંધર’ પર પડવાની સંભાવના ઓછી છે. એ ઉપરાંત ક્રિસમસની રજા પણ આવી રહી છે એ જોતાં આ ફિલ્મનું ત્રીજું અઠવાડિયું પણ ધમાકેદાર જશે એવી ધારણા રાખવામાં આવી રહી છે.