09 January, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
‘ધુરંધર’માં રહમાન ડકૈતનું દમદાર પાત્ર ભજવીને અક્ષય ખન્નાએ દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અક્ષય ૫૦ વર્ષનો થઈ ગયો હોવા છતાં તેના પર ઉંમરની કોઈ ખાસ અસર દેખાતી નથી અને તે સુપરફિટ લાગે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં અક્ષયે પોતાની ઑફ-સ્ક્રીન જિંદગી વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે મારી જીવનશૈલી બહુ ડિસિપ્લિનવાળી અને સાદી છે.
‘ધુરંધર’માં અક્ષયની પર્સનાલિટી એકદમ એનર્જેટિક લાગે છે. અક્ષય પોતાની ફિટનેસનું શ્રેય પોતાની ખાનપાનની આદતોને આપે છે. તેણે પોતાની ડાયટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું ક્યારેય નાસ્તો કરતો નથી. સીધું લંચ કરું છું અને પછી ડિનર. લંચ અને ડિનર વચ્ચે પણ સૅન્ડવિચ કે બિસ્કિટ જેવું કાંઈ ખાતો નથી. હું હંમેશાં મારી ‘નો સ્નૅક્સ’ પૉલિસી પર અડગ રહું છું. એ સિવાય સાંજે માત્ર એક કપ ચા પીઉં છું. મારા લંચમાં પણ દાળ-ભાત, એક શાક અને ચિકન અથવા માછલી હોય છે અને ડિનરમાં સાદી રોટલી સાથે એક શાક અને એક ચિકન-ડિશ હોય છે.’
અક્ષયે આ ઇન્ટરવ્યુમાં પોતાની લાઇફસ્ટાઇલ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘હું દિવસમાં લગભગ ૧૦ કલાક ઊંઘું છું. મારી પસંદગીની વસ્તુઓમાં લિચી, ભીંડા અને કેકનો સમાવેશ હોય છે. સામાન્ય રીતે મને સાદી રોટલી બહુ ગમે છે, પણ એ સિવાય મીઠાઈ મારી નબળાઈ છે.’