21 January, 2026 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અર્જુન
‘ધુરંધર’ પછી હવે એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની ચર્ચા થવા લાગી છે. આ ફિલ્મ ૧૯ માર્ચે ઈદના દિવસે રિલીઝ થવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલા ભાગની સરખામણીમાં સીક્વલમાં પાત્રોની તાકાત વધુ જોરદાર રીતે સામે આવશે. આવી સ્થિતિમાં ફિલ્મમાં યાલિના જમાલીનો રોલ કરનાર લીડ ઍક્ટ્રેસ સારા અર્જુને પણ ‘ધુરંધર : ધ રિવેન્જ’માં પોતાના પાત્રનો ખુલાસો કર્યો છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં સારા અર્જુને કહ્યું છે કે ‘ફિલ્મના બીજા ભાગમાં તમને યાલિનાની અસલી તાકાત જોવા મળશે. મારા પાત્રનો સાચો સાર તો બીજા ભાગમાં જ છે. યાલિના એવી યુવતી છે જે દિલથી વિચારે છે, પોતાની લાગણીઓ સાથે આગળ વધે છે અને પોતાના નિર્ણયોમાં સ્પષ્ટ રહે છે. જોકે ‘ધુરંધર : ધ રિવેન્જ’માં ફિલ્મની વાર્તાની સાથે-સાથે યાલિનાના નિર્ણય અને સંઘર્ષની ઊંડાઈને પણ દર્શાવવામાં આવશે જે દર્શકો માટે એક ખાસ અનુભવ સાબિત થશે.’
સારા અર્જુન ખૂબ નાની ઉંમરથી ફિલ્મી દુનિયામાં સક્રિય છે પરંતુ ‘ધુરંધર’થી તેણે વીસ વર્ષની ઉંમરે લીડ ઍક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું. ફિલ્મમાં તેનો રોલ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.