17 June, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિસિંગ સીન અને ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રની ગણતરી બૉલીવુડના સફળ ઍક્ટર તરીકે થાય છે અને તેઓ હાલ પણ ફિલ્મોમાં સક્રિય છે. ધર્મેન્દ્રએ હાલ એક ઇન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના તેમના પાત્ર અને ફિલ્મના તેમના ચર્ચાસ્પદ કિસિંગ સીન વિશે વાત કરી છે. ધર્મેન્દ્રને મહત્ત્વના રોલમાં ચમકાવતી આ ફિલ્મ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી અને એનું ડિરેક્શન કરણ જોહરે કર્યું હતું. આ એક કૉમેડી-રોમૅન્ટિક ફિલ્મ હતી અને એમાં રૉકી તરીકે રણવીર સિંહ અને રાની તરીકે આલિયા ભટ્ટ જોવા મળ્યાં હતાં.
આ ફિલ્મમાં શબાના આઝમી સાથે કિસ-સીન ફિલ્માવવાના તેમના અનુભવ વિશે વાત કરતાં ધર્મેન્દ્રએ એને ખાસ અનુભવ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે રોમૅન્સ માટે કોઈ ઉંમર નથી હોતી.
ધર્મેન્દ્રએ ઇન્ટરવ્યુ દરમ્યાન સહ-કલાકાર રણવીર સિંહ સાથેની વાતચીતને યાદ કરીને કહ્યું કે ‘મેં રણવીરને કહ્યું કે ‘મારી એક જ કિસથી લોકો હચમચી ગયા.’
‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ પરિવારો અને સંસ્કૃતિઓ વચ્ચેના વિવાદોને દર્શાવે છે. આ ફિલ્મમાં જયા બચ્ચન, શબાના આઝમી અને ધર્મેન્દ્ર જેવાં સિનિયર ઍક્ટર્સ જોવા મળ્યાં હતાં.
મેં શોલે માટે અમિતાભની ભલામણ કરી હતી : ધર્મેન્દ્ર
ઘણી વાર એવી ચર્ચા થાય છે કે ‘શોલે’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની પસંદગી થઈ એની પાછળ ધર્મેન્દ્રનો હાથ હતો. હવે ધર્મેન્દ્રએ એક ઇન્ટરવ્યુમાં આ ચર્ચા વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું છે, ‘હા, એ વાત સાચી છે કે મેં રમેશ સિપ્પીસાહેબને અમિતાભ માટે ભલામણ કરી હતી. હું એવું ક્યારેય નથી કહેતો કે મેં તેમને રોલ અપાવ્યો હતો. અમિતાભ મને મળવા આવતા હતા તો મેં રમેશ સિપ્પીજીને તેમના વિશે કહ્યું કે આ નવો છોકરો છે અને તેના અવાજથી લાગે છે કે સારું કામ કરે છે. આ પછી મેં રમેશ સિપ્પીજીને કહ્યું કે તમે આને ફિલ્મમાં લો. આ પછી અમિતાભને ‘શોલે’ ફિલ્મમાં મહત્ત્વપૂર્ણ જયનો રોલ મળ્યો.’